Monday, November 26, 2007

...હોય છે !


આ તરસનાં ભાગ્ય એવાં પણ લખેલાં હોય છે
કાં સમંદર,કાં અજાણ્યાં રણ લખેલાં હોય છે

આવડે જો વાંચતાં તો,એટલું અઘરૂં નથી
હર નયનમાં,આગવાં પ્રકરણ લખેલાં હોય છે !

વેંત છેટો ઉંબરો ક્યાં શક્ય છે ઓળંગવો ?
એ વિષે નિશ્ચિતપણે,કારણ લખેલાં હોય છે

કોણજાણે કઈપળે તૂટે રમકડું રાખનું ?
આપણાં અસ્તિત્વનાં કણ-કણ લખેલાં હોય છે

જિંદગીભર કોઈનો સંગાથ પામે નહીં,છતાં
આંસુઓમાં એ બધાં સગપણ લખેલાં હોય છે


ડૉ.મહેશ રાવલ

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home