Sunday, December 16, 2007

આપે છે...!


અધૂરાં સ્વપ્નનો એકેક પગલે ભાર આપે છે
હવે ક્યાં કોઇ રસ્તો,પર્વનો અણસાર આપે છે ?

નજીવા કારણો,સંબંધ પર સીધી અસર કરશે
ખુલાસા કોણ ખુલ્લેઆમ,વારંવાર આપે છે ?

મળે ત્યારે,મળે છે સાવ અંગતથઇ મને કાયમ
અજાણ્યાથી વધારે દર્દ,ઓળખનાર આપે છે !

ઉતાવળ આપણી,લઈજાય છે શંકા તરફ,નહીંતર
ખુદા તો હર દુઆનું ફળ,તબક્કાવાર આપે છે !

પરસ્પર સાંકળી લેવાય છે બે શ્વાસ વચ્ચે,પણ
મરણનો ખોફ,જીવન જીવવા આધાર આપે છે !

ગણું છું રોજ વ્રણ આશ્ચર્ય વચ્ચે,પીઠ પાછળનાં
જુનાં રૂઝાય ત્યાં,અંગત નવા બે-ચાર આપે છે !

નથી મળતું અપેક્ષિત કઈં,અપેક્ષા હોય છે ત્યારે
અમસ્તાં,લોકો આશ્વાસન ખુલાસાવાર આપે છે !


ડૉ.મહેશ રાવલ

2 Comments:

At 5:56 AM , Blogger વિવેક said...

મળે ત્યારે,મળે છે સાવ અંગતથઇ મને કાયમ
અજાણ્યાથી વધારે દર્દ,ઓળખનાર આપે છે !

ઉતાવળ આપણી,લઈજાય છે શંકા તરફ,નહીંતર
ખુદા તો હર દુઆનું ફળ,તબક્કાવાર આપે છે !

-ખૂબ સબળ વાત !

 
At 9:18 PM , Blogger Pinki said...

તબક્કાવાર ખુલાસાઓ જિંદગીના ઘણા ગમ્યા અને એમાં પણ
છેલ્લો શેર તો ખૂબ જ ........

નથી મળતું અપેક્ષિત કઈં,અપેક્ષા હોય છે ત્યારે
અમસ્તાં,લોકો આશ્વાસન ખુલાસાવાર આપે છે !

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home