Monday, November 10, 2008


તારા ગજાની બ્હાર છે !


સઘળું ત્યજી, સધ્ધર થવું તારા ગજાની બ્હાર છે
હર ધારણાથી પર થવું, તારા ગજાની બ્હાર છે !

અસ્તિત્વ તારૂં છે હજૂ નિર્ભર, બટકણાં શ્વાસપર
નિશ્ચિંત થઈ, નક્કર થવું તારા ગજાની બ્હાર છે !

સંપર્ક તારો તું નથી સ્થાપી શક્યો ખુદથી, હજૂ
'ને એ વિષે તત્પર થવું, તારા ગજાની બ્હાર છે !

તારા જ ઘરમાં તું અજાણી શખ્સિયત છે, દરઅસલ
થઈ જાણતલ, પગભર થવું તારા ગજાની બ્હાર છે

સમજી શકાતી હોય છે ભાષા હૃદયની, આંખથી
પણ એટલું સાક્ષર થવું, તારા ગજાની બ્હાર છે !

છે શૂન્ય તું, 'ને શૂન્યની ઓકાત કેવળ શૂન્યતા
ખુદ શેષ થઈ સરભર થવું, તારા ગજાની બ્હાર છે !

મહોતાજ છે તું હર તબક્કે, કર્મ 'ને ફળ બેઉનો
માનવ મટી ઇશ્વર થવું, તારા ગજાની બ્હાર છે !


ડો.મહેશ રાવલ

3 Comments:

At 6:15 AM , Blogger Unknown said...

સમજી શકાતી હોય છે ભાષા હૃદયની, આંખથી
પણ એટલું સાક્ષર થવું, તારા ગજાની બ્હાર છે !
ભાષા હૃદયની યાદ આવી વાત
તમે પ્રેમમાં પડો ત્યારે તમારી જાણ વગર એક ઘટના બને છે. સુખ તેના દરવાજા બંધ કરે છે અને દુ:ખ તેના દરવાજા ખોલી નાખે છે. આવો અનુભવ દરેક પ્રેમીને થાય છે અને પછી તે લેખક કે કવિ હોય તો કથારૂપે કે કાવ્યરૂપે તે પીડાને કહી શકે છે, પરંતુ તમામ લોકોને આ હક્ક મળતો નથી. તેમના ગજાની બ્હાર છે !Pragnaju

 
At 9:19 PM , Blogger વિવેક said...

દસ દિવસના વેકેશન બાદ ફરી નેટ પર પ્રવૃત્ત થયો છું. છેલ્લી બધી રચનાઓ વાંચી. જૂની પણ કેટલીક ફરી માણી. મજા આવી.
મહેફિલ સરસ જામી રહી છે.


નૂતન વર્ષાભિનંદન !

 
At 6:39 AM , Blogger Unknown said...

છે શૂન્ય તું, 'ને શૂન્યની ઓકાત કેવળ શૂન્યતા
ખુદ શેષ થઈ સરભર થવું, તારા ગજાની બ્હાર છે !

અદભૂત..મહેશભાઈ..!

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home