Sunday, November 30, 2008




તસ્વીરમાં...

જે તે સમયના ભાવ છે તસ્વીરમાં
જાણે, હજૂ પ્રસ્તાવ છે તસ્વીરમાં !

ઈતિહાસ જાજરમાન છે,આ રંગનો
ઉંડાણ છે, ઘેરાવ છે, તસ્વીરમાં !

યોજાય છે પ્રશ્નોતરી એકાંતમાં
થીજી ગયેલી રાવ છે, તસ્વીરમાં

સપનું ગણીને ભૂલવાની છે, કથા
પાષાણભેદી સ્રાવ છે તસ્વીરમાં !

છે આમ અંગત સાવ કિસ્સો, તે છતાં
બે-ચાર આળા ઘાવ છે તસ્વીરમાં !

વિશ્વાસ ભારોભાર છલકે જીતનો
હારી ગયા, એ દાવ છે તસ્વીરમાં !

સંબંધ જેવું કંઇ નથી, અસ્તિત્વમાં
બસ, વાસ્તવિકતા સાવ છે તસ્વીરમાં !


ડો.મહેશ રાવલ

1 Comments:

At 7:32 AM , Blogger Unknown said...

બનાવટી ક્ષણોની ભીડ કહેવાય એટલી તસ્વીરો

કરતાં

આંગળીના વેઢે ગણાય એટલી પણ પ્રસંગની

મૌલિક અને સંવેદનશીલ તસ્વીરોનો સંપૂટ,

તે જ સાચું અને સાચવવા લાયક આલ્બમ ..

જેવી રચના
pragnaju

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home