Wednesday, December 26, 2007

એવું કઈંક મળવાનું !


તરસની વારતા મંડાય, એવું કઈંક મળવાનું
બધાની આંખમાં, વંચાય એવું કઈંક મળવાનું !

ઉતરતી ઓટ, ને ચડતી જતી ભરતી બને સાક્ષી
પછી, ઈતિહાસ આલેખાય એવું કઈંક મળવાનું !

જરાક જ ખોતરો પાપણ, અને ભીનાશ વચ્ચેથી
પરસ્પર સાંકળી લેવાય, એવું કઈંક મળવાનું !

નિવેદન હોય એવું કે, "નથી કઈં સ્નાન-સૂતક"-પણ
છતાં સંબંધમાં, ચર્ચાય એવું કઈંક મળવાનું !

ફરૂં છું કાંધપર લઈ બોજ હું, બે-ફામ સગપણનો
મને ક્યારેક તો, ઉજવાય એવું કઈંક મળવાનું !

નહીંવત્ શક્યતા છે તોય, એવું કેમ લાગે છે ?
પ્રથમ થઈ બાદ, વત્તા થાય એવું કઈંક મળવાનું !

ફરીથી મેં ઉખેડ્યો છે જુનો ઈતિહાસ, આ વખતે
વળી રસ્તો કશે ફંટાય, એવું કઈંક મળવાનું !

ફલક સંબંધનું વિસ્તાર પામ્યું છે, નવેસરથી
નવી અઢળક ગઝલ સર્જાય, એવું કઈંક મળવાનું !


ડૉ.મહેશ રાવલ

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home