Sunday, March 09, 2008

કોણ આવે-જાય છે ?

અડધા ઉઘાડાદ્વાર વચ્ચે, કોણ આવે-જાય છે ?
આ ધુંધળા અણસાર વચ્ચે, કોણ-આવે જાય છે ?

સપનાં મઢેલી પાપણે, શબ્દો વગરની વાતમાં
ગઈકાલ ને અત્યાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

મેંદીભરેલા હાથનું ઐશ્વર્ય લઈ અકબંધ, અહીં
બે-ખોફ, અનરાધાર વચ્ચે કોણ આવે-જાય છે ?

કરવી પડે છે ખાતરી-સરખામણી, નક્કરપણે
બે શ્વાસનાં વિસ્તાર વચ્ચે, કોણ આવે જાય છે ?

છે ધુંધળી, પણ શક્યતા ઓછી નથી સંધાનની
અહીં લક્ષ્ય ને નિર્ધાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

ભીતર ધધખતો હોય ધૂણો, આવરણ હો રાખનું
ત્યાં ફૂંક, ને અંગાર વચ્ચે કોણ આવે-જાય છે ?

જીવન-મરણ વચ્ચે રમત રમતું, અનાહત તત્વ-શું ?
આકાર-નિરાકાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

બે-રંગ આંખે, રંગનો છંટકાવ કરતી નીકળે
એ રંગ, એ બૌછાર વચ્ચે કોણ આવે-જાય છે ?

દાયીત્વ કોનું હોય છે સંબંધની ભીનાશમાં ?
'ને લાગણી, વ્યવ્હાર વચ્ચે કોણ આવે-જાય છે ?

ઊંડાણનું અસ્તિત્વ, નિર્ભર હોય છે કોના ઉપર ?
નિશ્ચિત-અનિશ્ચિત ધાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

કાંડાવગરનાં હાથ પાસે, હોય શું સંતાડવા !
ધરપત અને ધિક્કાર વચ્ચે, કોણ આવે-જાય છે ?


ડો.મહેશ રાવલ

5 Comments:

At 10:31 AM , Blogger ધવલ said...

કાંડાવગરનાં હાથ પાસે, હોય શું સંતાડવા !
ધરપત અને ધિક્કાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

- સરસ !

 
At 10:45 AM , Blogger Pinki said...

ઊંડાણનું અસ્તિત્વ, નિર્ભર હોય છે કોના ઉપર ?
નિશ્ચિત-અનિશ્ચિત ધાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

સપનાં મઢેલી પાપણે, શબ્દો વગરની વાતમાં
ગઈકાલ ને અત્યાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

બે શ્વાસનો વિસ્તાર બસ એટલી જિંદગીને છતાં
"કરવી પડે છે ખાતરી-સરખામણી, નક્કરપણે"
એ અનાહત તત્વની....

જીવન-મરણ વચ્ચે રમત રમતું, અનાહત તત્વ-શું ?
આકાર-નિરાકાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

 
At 11:52 AM , Blogger None said...

સરળ પ્રશ્નોની શૃંખલામાં ગૂઢ કોયડા વણી લેતી ગઝલ. 'વાહ ક્યા બાત હે?' કહીને સંતોષ ન લેવા દે અને બે ઘડી વિચારતા કરી મૂકે એવી ગઝલ! આપની ઘણી ગઝલોની જેમ આ ગઝલ પણ મુશાયરાનો દાયરો વટાવી એક કાવ્ય રૂપે પ્રકટ થઈ છે અને એટલે મને ગમી છે.

 
At 10:24 PM , Blogger વિવેક said...

સરસ દીર્ઘ ગઝલ...

 
At 1:41 AM , Blogger Unknown said...

Wah Maheshbhai.
Aakhi Gazal saras Chhe.

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home