Monday, April 07, 2008

મનપડે ત્યારે !

જુદીરીતે મને હું ચીતરૂં છું,મનપડે ત્યારે !
મજામાં છું કહીને છેતરૂં છું,મનપડે ત્યારે !

હજારો સર્પ વચ્ચે હોય એવું કેમ લાગે છે?
હજુ તો રોજનાં સ્થાને ફરૂં છું,મનપડે ત્યારે !

સુગંધી,સાંભળેલાં ફૂલની તસ્વીર છે પાસે
મનોમન શ્વાસમાં સૌરભ ભરૂં છું મનપડે ત્યારે !

મળું છું રોજ માણસથઈ મને હું,આયના સામે
પછી મારા જ નખથી ખોતરૂં છું,મનપડે ત્યારે !

રહીગઈ હો અસર પાષાણયુગની ક્યાંક,સંભવ છે
નહીંતર કેમ હું એવું કરૂં છું,મનપડે ત્યારે !

ચમત્કારિક રીતે જ્યાં હતો હું ત્યાં જ છું આજે
મને તો એમ કે હું વિસ્તરૂં છું,મનપડે ત્યારે !

ડો.મહેશ રાવલ

1 Comments:

At 11:16 PM , Blogger વિવેક said...

ચમત્કારિક રીતે જ્યાં હતો હું ત્યાં જ છું આજે
મને તો એમ કે હું વિસ્તરૂં છું,મન પડે ત્યારે !

-સાચી વાત...

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home