Saturday, December 29, 2007

બહુ તરજુમો કરવો ય શું?


નખશિખ અજાણી રાતનો બહુ તરજુમો કરવો ય શું?
આ સાવ અમથી જાતનો,બહુ તરજુમો કરવો ય શું?

સમજાય એવા સાદનાં વિશ્લેષણો,અઘરાં નથી
અસ્પષ્ટ પ્રત્યાઘાતનો,બહુ તરજુમો કરવો ય શું?

ઉઘડે અજાણ્યાં હોય તો પણ ભેદ સહુ,આગળ જતાં
પણ ઓળખીતી ઘાતનો,બહુ તરજુમો કરવો ય શું?

હોનારતી વાતાવરણ,સાબૂત છોડે નહીં કશું
આ ભીતરી ઉત્પાતનો,બહુ તરજુમો કરવો ય શું?

એકાંતમાં બે-ફામ રોયો છું ઘણું,ઘણીવાર હું
જાહેરમાં,કલ્પાંતનો બહુ તરજુમો કરવો ય શું?

કોને ખબર છે કઈ પળે અટકી જશે,આ જાતરા?
આ ખૂટતી ખેરાતનો,બહુ તરજુમો કરવો ય શું?

અડધે સુધી સાથે હતી એ ભીડ કાં વિખરાઈ ગઈ?
છેલ્લે હવે એ વાતનો,બહુ તરજુમો કરવો ય શું?


ડૉ.મહેશ રાવલ

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home