Monday, December 31, 2007

ચાલો માણસ-માણસ રમીએ !


ખુલ્લં-ખુલ્લા પળભર, ચાલો માણસ-માણસ રમીએ

લજ્જા મૂકી અધ્ધર, ચાલો માણસ-માણસ રમીએ !

સપનાં સામે, સપનાં જેવું સપનું મૂકી દઈએ
આંખે આંજી ઝરમર, ચાલો માણસ-માણસ રમીએ !

જેનાં નામે તરતો જોયો પથ્થર, સગ્ગી આંખે
પડકારી એ ઈશ્વર, ચાલો માણસ-માણસ રમીએ !

પરસેવે નીતરતાં લથબથ, અડધાં ભૂખ્યા પેટે
પાટા બાંધી નવતર, ચાલો માણસ-માણસ રમીએ !

આંટી-ઘૂંટી જેવાં અમથે-અમથાં સગપણ વચ્ચે
ઉજવી લઈએ અવસર, ચાલો માણસ-માણસ રમીએ !

હોવાની પીડાથી બમણી, નહીં હોવાની ચિંતા

અંગેઅંગ લઈ કળતર, ચાલો માણસ-માણસ રમીએ !

દેખાદેખી, દેખાડો, ને નખશીખ ઈર્ષા, અવઢવ
કાંઠાળા મન તટ પર, ચાલો માણસ-માણસ રમીએ !


ડૉ.મહેશ રાવલ

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home