Thursday, February 05, 2009


વાત, મૂંઝાતી ફરે...!

ઘરમાં જ ઘરની વાત, મૂંઝાતી ફરે
સંબંધ ઓઢી, જાત મૂંઝાતી ફરે !

ધારણ કરેલાં હોય સગપણ, આમ તો
પણ અંશતઃ, ઓકાત મૂંઝાતી ફરે !

દીવા વગરના ટોડલા જેવું હૃદય
'ને રક્તમાં, મિરાત મૂંઝાતી ફરે !

ઝળહળ થવા મથતી અમીરી, વાંઝણી
કાં પૂર્વ, કાં પશ્ચાત, મૂંઝાતી ફરે !

સામાન્યરીતે થાય, એવું થાય નહીં
'ને રાત, આખીરાત મૂંઝાતી ફરે !

પડઘા વગરના સાદ, રસ્તો આંતરે
ત્યાં લાગણી સાક્ષાત મૂંઝાતી ફરે !

વરસો બદલતાં જાય આપોઆપ, 'ને
બે શ્વાસ વચ્ચે, ઘાત મૂંઝાતી ફરે !


ડો.મહેશ રાવલ
આ બ્લોગની ગઝલ નં-૧૦૦

Monday, February 02, 2009


વંચિત ગણાશે....!


વારતા અંજામથી વંચિત ગણાશે
પાત્રવરણી, નામથી વંચિત ગણાશે !

શક્ય છે ચર્ચાય કિસ્સો, લોકજીભે
છેવટે પરિણામથી વંચિત ગણાશે !

તૂટતાં સંબંધ જેવી, શક્યતાઓ
અર્થના આયામથી વંચિત ગણાશે !

જાણતલ રસ્તો, અજાણ્યો લાગવાનો
'ને પછી, મુકામથી વંચિત ગણાશે !

સાવ અમથી થઈજશે સાબિત પ્રતીક્ષા
જોમ, જુસ્સો, હામથી વંચિત ગણાશે !


ડો.મહેશ રાવલ

Friday, January 30, 2009


આગળ વધે !

થઈજાય બે-કાંઠે નદી, 'ને જળ વધે
એવું બને કે વારતા આગળ વધે !

ભીતર કશુંક ઉભરાય આપોઆપ, 'ને
અધિકારપૂર્વક, પર્વતા આગળ વધે !

સઘળાં હિસાબો થાય સરભર, આમ તો
પણ શક્ય છે, એકાદ આખી પળ વધે !

દીશા દસે-દસ એમ ઉઘડી જાય, કે
સાતેય કોઠે દીવ્યતા ઝળહળ વધે !

કૂંચી ફરે અકબંધ તાળામાં, અને
છેલ્લે પછી, ઉઘડી ગયેલી કળ વધે !


ડો.મહેશ રાવલ

Tuesday, January 27, 2009


ઢાળી શક્યો નહીં !

ઉભરો પ્રણયનો,ઓટને ખાળી શક્યો નહીં
મારાતરફ હું એમને,વાળી શક્યો નહીં !

નહિતર,ખુદા તો કોઇને નારાજ ના કરે !
બદકિસ્મતી મારી જ હું,ટાળી શક્યો નહીં

ફૂલી-ફલી'તી આમ તો,મારી ય જિંદગી
હું જિંદગીમાં જિંદગી,ભાળી શક્યો નહીં !

તોફાનવચ્ચે ક્યાં સુધી દીવો ય ઝળહળે ?
નાજુક તબક્કે હું નિયમ,પાળી શક્યો નહીં

એવું નથી કે ઈશ્વરે દરકાર ના કરી
છેલ્લેસુધી હું ખુદ અહમ,બાળી શક્યો નહીં !

જોયાં કરૂં છું આવતો-જાતો સમય,હવે
ફરતાં સમય સાથે સમય,ગાળી શક્યો નહીં !

લોકો ગમે તે રીતથી,આગળ જવા મથે
પણ હું મને એ ઢાળમાં,ઢાળી શક્યો નહીં !


ડો.મહેશ રાવલ

Thursday, January 22, 2009


ત્યાંસુધી તું રાહ જો...!


વારતા પૂરી કરી લઉં, ત્યાંસુધી તું રાહ જો
જાત આખી પાથરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

એક ભીંતે,સ્હેજ લૂણો લાગતો દેખાય છે
મૂળસોતો ખોતરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

પ્રશ્ન કેવળ છે સમયનો, આ તરફ-પેલી તરફ
વાસ્તવિક્તા આવરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !

હોય દરિયો,એ કદી બંધાય છે ક્યાં કોઇથી ?
એ હદે હું વિસ્તરી લઉં, ત્યાંસુધી તું રાહ જો !


ડો.મહેશ રાવલ

Monday, January 19, 2009


ત્યાં એ આવશે...

જ્યાં-જ્યાં ગઝલ ચર્ચાય, ત્યાં એ આવશે
જ્યાં શબ્દને પોંખાય, ત્યાં એ આવશે !

નિસ્બત નથી એને, કશા ઈલ્કાબથી
જ્યાં લાગણી સેવાય, ત્યાં એ આવશે !

અસ્તિત્વ એનું સર્વવ્યાપી છે, અને
સાતત્ય જ્યાં જળવાય, ત્યાં એ આવશે !

એવું નથી કે, હોય કાયમ પર્વમાં
નિઃશ્વાસ જ્યાં નંખાય, ત્યાં એ આવશે

એની નજરથી પર, કશું હોતું નથી
સ્હેજે ય કંઈ સંતાય, ત્યાં એ આવશે !

એ જરકસી જામા ભલે પહેરી ફરે
પણ, થીગડું દેવાય ત્યાં એ આવશે !

વેંઢારવા દ્યે છે પ્રથમ એ ભાર, પણ
એના ઉપર નંખાય, ત્યાં એ આવશે !

છે જિંદગી - ત્યાં છે, મરણ છે - ત્યાંય છે
લઈ નામ પોકારાય, ત્યાં એ આવશે !


ડો.મહેશ રાવલ

Thursday, January 15, 2009


તો,લખ મને !


થીજી ગયેલું સ્વપ્ન થોડું ઓગળે,તો લખ મને
એકાદ કારણ ઓળખીતું નીકળે,તો લખ મને !

આશ્ચર્ય વચ્ચે આજપણ અકબંધ છે,ઇચ્છા બધી
પડખું ફરી સંબંધ પાછો સળવળે,તો લખ મને !

પ્રશ્નોત્તરી યોજાય છે,અપવાદના કિસ્સા વિષે
સંદર્ભનાં થર વાસ્તવિકતા સાંકળે,તો લખ મને !

તસ્વીરના ઐશ્વર્યનો ઈતિહાસ તો નિઃશબ્દ છે
ભાષાવગરના અર્થને વાચા મળે,તો લખ મને !

છાંયા વિષે કઈ ખાતરી આપી શકો,તડકાવગર ?
તાત્પર્ય લઈ વાદળપણામાં જળ ભળે,તો લખ મને !


ડો.મહેશ રાવલ

Friday, January 09, 2009

તો વધાવું ........

એક પગલું આ તરફ ભર, તો વધાવું
તોડ બંધન, આવ ભીતર તો વધાવું

ક્યાંસુધી વાગોળવા કિસ્સા અધૂરા ?
કોઈ નક્કર આપ અવસર, તો વધાવું

ક્યારનો તૈયાર બેઠો છું અહીં હું
તું ય થઈને આવ તત્પર, તો વધાવું

કોણ ઝાલે હાથ મારો, આ તબક્કે ?
તું જ આગળ આવ ઈશ્વર, તો વધાવું

કોઇરીતે ક્યાં હતું કંઈ પર, અસરથી ?
પીગળે એકાદ પથ્થર, તો વધાવું !


ડો.મહેશ રાવલ

Monday, December 29, 2008


તો લખો !

પર્વ ઉજવાય એવું મળે,તો લખો
ક્યાંય માણસપણું ઝળહળે,તો લખો !

દૂરથી તો બધું હોય રળિયામણું
હાથવેંતે,અપેક્ષા ફળે તો લખો !

કોઇ અચરજ નથી ઓટ-ભરતી વિષે
હા!કિનારો સ્વયં ઓગળે તો લખો !

આખરે તો બધાં એજ રસ્તે જશે
કોઇ અપવાદ જો નીકળે,તો લખો !

અર્થ સમજાય એવો નથી,તે છતાં
જિંદગી અર્થને સાંકળે,તો લખો !


ડો.મહેશ રાવલ

Friday, December 12, 2008


તો સનસનાટી...!

ધારણા ખોટી પડે, તો સનસનાટી
વાત ચકરાવે ચડે, તો સનસનાટી

બહુ જ કપરી છે સવારી, સ્વપ્ન અશ્વે
સ્હેજ પણ એડી અડે, તો સનસનાટી

હોય જો મનમેળ તો મતભેદ શેનો ?
લાગણી ઠેબે ચડે, તો સનસનાટી !

પારદર્શક હોય છે સંબંધનું ઘર
કંઈક જો આડું નડે, તો સનસનાટી

રથ ફરે દાંપત્યનો, બન્ને ય પૈડે
એક પૈડું જો ખડે, તો સનસનાટી

સાવ નાજુક હોય છે દોરી, પ્રણયની
એકપણ આંટી પડે, તો સનસનાટી

સનસનાટી એટલે કે સનસનાટી
કોઇને પણ આભડે, તો સનસનાટી


ડો.મહેશ રાવલ