Thursday, April 24, 2008


બને નહીં !

હશે કોઇ કારણ,નહીંતર બને નહીં
હ્રદય કોઇનું સાવ પથ્થર બને નહીં !

દિવસ જેમ ઊગી હશે કોઇ બાબત
કદી સામટા પ્રશ્ન,ઉત્તર બને નહીં !

અજુગતું કશુંક જો બને ,તો અલગ છે
મનુષ્યો,મિલનસાર અક્સર બને નહીં !

સમાધાન કરવું પડે,જાત સાથે
અને જાત અમથી ઉજાગર બને નહીં !

વિષય હોય નાજુક,તો ચર્ચાય ચોરે
બધી વાતનું કઈં વતેસર બને નહીં !

થયું હોય સાહસ,અસામાન્યરીતે
અમસ્તું જ,સામાન્ય સધ્ધર બને નહીં !

વધી જાય નખ,તો ત્યજે ટેરવાંને
છતાં,મૂળ સંબંધથી પર બને નહીં !


ડો.મહેશ રાવલ

Saturday, April 19, 2008

તમારાવગર !

ન ખુદની ખબર છે, ન ખુદની મમત છે
તમારા વગરનું જગત, ક્યાં જગત છે !

ઊગે-આથમે છે દિવસ, સાવ અમથાં
અને રાત, અમથો લખાયેલ ખત છે !

નથી મનતું મન, તમારું ન હોવું
હજુ એ સતત બસ, તમારામાં રત છે !

હવે તો મને પણ નથી હું ય મળતો
વિચારો ય જાણે અમસ્તી વિગત છે !

દિવસ પાથરે છે કલાઓ, દિવસભર
અને રાત આવી-જવાની રમત છે !


ડો.મહેશ રાવલ

Monday, April 14, 2008

મુસાફિર !


ચરણ જેમ રસ્તા વળેનહીં, મુસાફિર
બધું,વારસાગત મળેનહીં મુસાફિર !

સ્મરણ હોય કિસ્સા ભલે, મૂળરૂપે
છતાં અર્થ કંઈ નીકળેનહીં, મુસાફિર !

દશા-અવદશા, કર્મને હોય આધિન
દુઆ કંઈ બધાની ફળેનહીં, મુસાફિર !

અલગ છે કે, તૂટી જતાં હોય છેલ્લે
કદી પથ્થરો પીગળેનહીં, મુસાફિર !

અજુગતું કશુંક જો બને તો, અલગ છે
મનુષ્યો, અમસ્તાં ભળેનહીં મુસાફિર !


ડો.મહેશ રાવલ

Thursday, April 10, 2008

નીકળે !

મંથન પછી, સહુમાં હળાહળ નીકળે
ખુદથી વધારે, કોણ આગળ નીકળે !

છે આપણી કરૂણાંતિકા બસ એટલી
કે, સિંદરી બળવા છતાં વળ નીકળે !

ઉંડેસુધી જો જઈ શકો તો શક્ય છે
રેતાળથરનાં મૂળમાં, જળ નીકળે !

એવું બને કે આમ કંઈ દેખાય નહીં
'ને આમ, આખીવાત ઝળહળ નીકળે !

ખંખેરજો સંબંધનેં, પલળે પછી
દોથો ભરી'લ્યો, એટલાં છળ નીકળે !

ડો.મહેશ રાવલ

Monday, April 07, 2008

મનપડે ત્યારે !

જુદીરીતે મને હું ચીતરૂં છું,મનપડે ત્યારે !
મજામાં છું કહીને છેતરૂં છું,મનપડે ત્યારે !

હજારો સર્પ વચ્ચે હોય એવું કેમ લાગે છે?
હજુ તો રોજનાં સ્થાને ફરૂં છું,મનપડે ત્યારે !

સુગંધી,સાંભળેલાં ફૂલની તસ્વીર છે પાસે
મનોમન શ્વાસમાં સૌરભ ભરૂં છું મનપડે ત્યારે !

મળું છું રોજ માણસથઈ મને હું,આયના સામે
પછી મારા જ નખથી ખોતરૂં છું,મનપડે ત્યારે !

રહીગઈ હો અસર પાષાણયુગની ક્યાંક,સંભવ છે
નહીંતર કેમ હું એવું કરૂં છું,મનપડે ત્યારે !

ચમત્કારિક રીતે જ્યાં હતો હું ત્યાં જ છું આજે
મને તો એમ કે હું વિસ્તરૂં છું,મનપડે ત્યારે !

ડો.મહેશ રાવલ