Saturday, July 26, 2008

વાત નોંખી !

પગલે-પગલે ભાત નોંખી
ભાતે-ભાતે જાત નોંખી !

ટોળું થઈ સપનાં ફરે,પણ
સપને-સપને વાત નોંખી !

રસ્તો,કેડી,'ને વળાંકો
માથે ભમતી ઘાત નોંખી !

અવસર,અવઢવ,સાદ,પડઘા
હર ક્ષણની ઓકાત નોંખી !

લીલી-પીળી ઝાંય વચ્ચે
વિસ્તરતી અમીરાત નોંખી !

ડો.મહેશ રાવલ

Tuesday, July 22, 2008


પછી,બે-ફામ રોયો છું


અનાયાસે ખરી કૂંપળ,પછી બે-ફામ રોયો છું
નજરસામે સુકાયું જળ,પછી બે-ફામ રોયો છું

હતું કે,જિંદગી સાથે ઘરોબો કેળવી લેશું
મળી નહીં કોઇ એવી પળ,પછી બે-ફામ રોયો છું

ત્યજીબેઠો કિનારો,ખાતરી ઊંડાણની કરવા
ન આવ્યું કોઇરીતે તળ,પછી બે-ફામ રોયો છું

ન આવ્યો સ્હેજપણ અણસાર,ને પલટાઈ ગઈ બાજી

કરી ગઈ જિંદગી ખુદ છળ,પછી બે-ફામ રોયો છું

રમ્યો'તો બાટ છેલ્લી,જીતવા હારી ગયેલું હું
ન આવ્યું કામ કંઈ અંજળ,પછી બે-ફામ રોયો છું

કસોટી પણ ન થઈ નક્કર,ન થઈ સરખામણી સધ્ધર

અપેક્ષાકૃત્ મળ્યું નહીં ફળ,પછી બે-ફામ રોયો છું


ડો.મહેશ રાવલ

Friday, July 18, 2008


સંડોવણી.....

નિત્ નવી સંડોવણી કરતાં રહે છે

સ્વપ્ન,વાદળ જેમ વિસ્તરતાં રહે છે !

ક્યાંય દેખાતી નથી એવી નદીને
કેટલી ભરપૂર ચીતરતાં રહે છે !

હું ય બસ,જોયાં કરૂં છું બે-ફિકર થઈ
એય કેવાં મોજથી ફરતાં રહે છે !

સૂર્યનું ડૂબી જવું ક્યાં હોય છે ત્યાં?
કે,ન જળમાં પંકજો તરતાં રહે છે !

આમ તો મારા જ કિસ્સા વર્ણવે છે
તોય કેવા દંભ આચરતાં રહે છે !

કોઇ તો સિંચન કરે છે,આડકતરૂં
એટલે તો આમ પાંગરતાં રહે છે !


ડો.મહેશ રાવલ

Tuesday, July 15, 2008


'ને,નીકળ્યો છું !


હતું એ ત્યાં જ છોડી દઈ,'ને નીકળ્યો છું
તને મળવાની ઈચ્છા લઈ,'ને નીકળ્યો છું !

પ્રતીક્ષા ક્યાંસુધી કરવી,ઉચક્જીવે ?
પ્રતીક્ષા ખુદ સમસ્યા થઈ,'ને નીક્ળ્યો છું !

નથી કંઈ હાથમાં,તો શું કસું મુઠ્ઠી ?
હકીકત સ્પષ્ટ થાતી ગઈ,'ને નીકળ્યો છું !

બધું છે આમ તો,પણ કૈંક ખૂટે છે
કમી તારી જ નક્કી થઈ,'ને નીકળ્યો છું !

સરાજાહેર દીધું'તું વચન તેં,પણ
ન આગળ કાર્યવાહી થઈ,'ને નીકળ્યો છું !!


ડો.મહેશ રાવલ

Saturday, July 12, 2008


ને તું જો પછી !


એકાદ અવસર આપ, ને તું જો પછી
અધિકાંશ ઉત્તર આપ, ને તું જો પછી !

કોણે કહ્યું કે આભને સીમા નથી ?
બે પાંખ સધ્ધર આપ, ને તું જો પછી !

શું થઈગયું જો હાથ કેવળ બે જ છે
આધાર નક્કર આપ, ને તું જો પછી !

એકેક પગલે આવશે શરણે, બધા
પડકાર નવતર આપ, ને તું જો પછી !

મૃગજળનેં જળની જેમ ખળખળતાં કરૂં
કાબૂ તરસ પર આપ, ને તું જો પછી !

મેં કેળવ્યો છે આગવી રીતે મને
અમથું ય નડતર આપ, ને તું જો પછી !

હું હર તબક્કે, હર ક્ષણે છું જોખમી
સંજ્ઞા નવેસર આપ,ને તું જો પછી !


ડો.મહેશ રાવલ