Saturday, March 29, 2008

જરૂરી છે....

મહત્તાજાણવા જળની, મહત્તમ રણ જરૂરી છે
વિષય વિસ્તારવા, આર્થોસભર પ્રકરણ જરૂરી છે !

તપાવ્યે શું દિ'વળવાનો, સુઘડ આકાર માટે તો
કૂશળહસ્તે હથોડી, ટાંકણું, એરણ જરૂરી છે !

ગળા બહુ સાંકડા થઈજાય છે અક્સર, ખરેટાણે
ખુલાસા હરગળે ઉતારવા, વિવરણ જરૂરી છે !

અમસ્તું કોણ શોધે છે વિકલ્પો, એકબીજાનાં?
બધા સંબંધનાં અનુબંધમાં,સમજણ જરૂરી છે !

અલગ છે કે દિવસ છે રાતથી સધ્ધર, બધીરીતે
જરૂરી હોય જો આ, તો પછી એ પણ જરૂરી છે !

રહસ્યો જિંદગીનાં એજ ખોલે છે અધિક્તર તો
ખરેખર જાણવા વૈશાખને, શ્રાવણ જરૂરી છે !

પછી કંઈપણ નહીં સંભવ બને, ખુદને મઠારી લ્યો!
નવી શરૂઆતને, અંતિમ ગણાતી ક્ષણ જરૂરી છે !


ડો.મહેશ રાવલ

Wednesday, March 26, 2008

લે,કર સરવાળો !

પરપોટાને પાંખ ફૂટી, લે કર સરવાળો !
દરિયાની ઓકાત લૂંટી, લે કર સરવાળો !

બે-કાંઠે થઈ ઈચ્છા, માટી થઈગઈ ગારો
વા વાયો 'ને પાળ તૂટી, લે કર સરવાળો !

ઊંડો ઉભરો, અવધિ ટૂંકી માથે તડકો
તડકા ભેળી જાત ઘૂંટી, લે કર સરવાળો !

ભાતીગળ ટહુકો'ને વત્તા, લીલો માળો
પાલવ છેડે ગાંઠ છૂટી, લે કર સરવાળો !

ડો.મહેશ રાવલ

Sunday, March 23, 2008

મને....!

મારા જ સરનામે લખું કાગળ મને
હું મોકલું છું ચીતરેલું જળ, મને !

વર્ણન કરી વરસાદ મૂશળધારનું
આપ્યા કરૂં છું ઓળખીતું છળ, મને !

ખોલું રહસ્યો હું ય મારા, શક્ય છે
મળતી નથી એકેય રીતે કળ, મને !

નક્કર ખુલાસા ક્યાં હતાં કે દઈ શકું ?
છેલ્લે પછી હું ખુદ કરૂં આગળ, મને !

સંભવ નથી કંઈ આપવું, ખળખળ હવે
કાંઠાળ ઉભરા પીરસું, હરપળ મને !


ડો.મહેશ રાવલ

Thursday, March 20, 2008

લખાયો છે !

લખી છે ઓટ-ભરતી, તો કિનારો પણ લખાયો છે
પ્રવાહો પર સમંદરનો ઈજારો પણ લખાયો છે !

ક્ષણોની ભીંતથી જે કંઈ ખર્યું, સઘળું સમેટીને
સમય સારો લખાયો, તો નઠારો પણ લખાયો છે !

નવેસરથી લખાણી જિંદગીનીં વાસ્તવિક્તાઓ
જવાબો અન્યના, તો પ્રશ્ન મારો પણ લખાયો છે !

વધાવ્યાં છે અમે કાયમ, સમયનાં હર તબક્કાને
લખાયો સૂર્ય, તો ખરતો સિતારો પણ લખાયો છે !

કદી ખટરાગ આપસનો, કદી અંગત ખુલાસાઓ
અમારી લાગણી, તો શક તમારો પણ લખાયો છે !

અલગ છે કે નથી બાકી હવે, સંબંધ ખાતે કંઈ
અભાવો પણ લખાયા, તો વધારો પણ લખાયો છે !

કલમની ધાર, સહુને એકસરખી રીતથી સ્પર્શે
લખાયા છે તવંગર, તો બિચારો પણ લખાયો છે !


ડો.મહેશ રાવલ

Sunday, March 16, 2008

કોને ખબર !

ક્યો રસ્તો ક્યારે વળવાનો, કોને ખબર
કઈ ઘટનાથી ખળભળવાનો, કોને ખબર !

પગલાંની માથે પગલું, પગલું આંધળું
ક્યા પગલે, ક્યાં નીકળવાનોં કોને ખબર !

સપનું, લઈ નીકળે સપનું માણસનામનું
ક્યો માણસ કોને છળવાનો, કોને ખબર!

લઈ મુઠ્ઠીમાં અજવાળું, ખિસ્સે ઘાલવું
દીવો ક્યાંલગ, ઝળહળવાનો કોને ખબર !

ચડતાં,પડતાં,આખડતાં વીતે આયખું
પડછાંયો ક્યાં ઓગળવાનો, કોને ખબર !

દરિયાની અંદર દરિયો, દરિયે નાવડું
કાંઠો કઈ વેળા મળવાનો, કોને ખબર !

ડો.મહેશ રાવલ

Saturday, March 15, 2008

ક્યાંસુધી લખવા !

સુખદ અંજામથી વંચિત્ કથાનક, ક્યાંસુધી લખવા
અમારી લાગણી, ને એમનાં શક, ક્યાંસુધી લખવા !

બદલતી જાય છે સંબંધનીં અધિકાંશ વ્યાખ્યાઓ
હવે સંબંધનેં સંબંધ માફક, ક્યાંસુધી લખવા !

લખી'તી જિંદગીને જિંદગીનીં જેમ, ઊંડે જઈ
ફરી એ દર્દ, ને એ દર્દવાહક, ક્યાંસુધી લખવા !

મુકદરનો વિષય છે આમ તો આખો ય કિસ્સો, પણ
અધૂરાં રહી ગયેલાં પર્વ નાહક, ક્યાંસુધી લખવા !

ન આપે સાથ જો સંજોગ તો, શું થઈશકે છેલ્લે ?
અને અમથાં ય, અંગતને જ ઘાતક ક્યાંસુધી લખવા !

જરૂરી છે ખબર છે જિંદગીમાં પ્રેમ, બે-મતલબ
છતાં મતલબ પરસ્તીનાં વિચારક, ક્યાંસુધી લખવા !

વરસતાં હોય છે વાદળ ગમે ત્યારે, ગમે ત્યાં જઈ
ન વરસે ક્યાંય, એવાં ડોળકારક ક્યાંસુધી લખવા !

ડો.મહેશ રાવલ

Tuesday, March 11, 2008


નક્કી નથી !

ક્યારે સમય પડખું ફરે, નક્કી નથી !
શું બાદ શું વત્તા કરે, નક્કી નથી !

મારા ય ઘરની ભીંત ક્યાં નક્કર હતી?
પોલાણ ક્યારે વિસ્તરે, નક્કી નથી !

ભરતી અમસ્તી જોખમી છે ઓટથી ?
શું ડૂબશે ને શું તરે, નક્કી નથી !

હું તો કહું છું - જિંદગી ચોપાટ છે
કઈ સોગઠી ક્યારે મરે, નક્કી નથી !

ઉંડાણ ઓછું ક્યાં હતું આ આંખનું ?
ત્યાં કોણ ઉંડું ઉતરે, નક્કી નથી !

શ્રધ્ધા ભળે તો થઈ શકે ઈશ્વર, છતાં
પથ્થર તરીકે શું કરે, નક્કી નથી !

સીધા જ રસ્તા હોય એવું ક્યાં હતું ?
પણ, ક્યા વળાંકે છેતરે, નક્કી નથી !

ટોળે વળી છે સામટી ઈચ્છા, હવે
સર્જન-વિસર્જન શું કરે, નક્કી નથી !

પ્રશ્નાર્થ બનતા જાય છે ઉત્તર, સહજ
કઈ ધારણા ખોટી ઠરે, નકી નથી !


ડો.મહેશ રાવલ

Sunday, March 09, 2008

કોણ આવે-જાય છે ?

અડધા ઉઘાડાદ્વાર વચ્ચે, કોણ આવે-જાય છે ?
આ ધુંધળા અણસાર વચ્ચે, કોણ-આવે જાય છે ?

સપનાં મઢેલી પાપણે, શબ્દો વગરની વાતમાં
ગઈકાલ ને અત્યાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

મેંદીભરેલા હાથનું ઐશ્વર્ય લઈ અકબંધ, અહીં
બે-ખોફ, અનરાધાર વચ્ચે કોણ આવે-જાય છે ?

કરવી પડે છે ખાતરી-સરખામણી, નક્કરપણે
બે શ્વાસનાં વિસ્તાર વચ્ચે, કોણ આવે જાય છે ?

છે ધુંધળી, પણ શક્યતા ઓછી નથી સંધાનની
અહીં લક્ષ્ય ને નિર્ધાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

ભીતર ધધખતો હોય ધૂણો, આવરણ હો રાખનું
ત્યાં ફૂંક, ને અંગાર વચ્ચે કોણ આવે-જાય છે ?

જીવન-મરણ વચ્ચે રમત રમતું, અનાહત તત્વ-શું ?
આકાર-નિરાકાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

બે-રંગ આંખે, રંગનો છંટકાવ કરતી નીકળે
એ રંગ, એ બૌછાર વચ્ચે કોણ આવે-જાય છે ?

દાયીત્વ કોનું હોય છે સંબંધની ભીનાશમાં ?
'ને લાગણી, વ્યવ્હાર વચ્ચે કોણ આવે-જાય છે ?

ઊંડાણનું અસ્તિત્વ, નિર્ભર હોય છે કોના ઉપર ?
નિશ્ચિત-અનિશ્ચિત ધાર વચ્ચે, કોણ આવે-જાય છે ?

કાંડાવગરનાં હાથ પાસે, હોય શું સંતાડવા !
ધરપત અને ધિક્કાર વચ્ચે, કોણ આવે-જાય છે ?


ડો.મહેશ રાવલ

Wednesday, March 05, 2008

કોઇપણ ભોગે !

હવે બસ એકધારૂં થઈ જવું છે, કોઇપણ ભોગે !
ગમે તે થાય, તારૂં થઈ જવું છે કોઇપણ ભોગે !

ચલણ ક્યાં છે હવે, કે અન્યનું થઈ ધન્ય થઈજાવું ?
હવે મારે ય મારૂં થઈ જવું છે, કોઇપણ ભોગે !

હિસાબ જ સાવ ખોટો હોય તો, ક્યાંથી મળે તાળો ?
બધી રીતે બજારૂ થઈ જવું છે, કોઇપણ ભોગે !

ન જાણે કઈ ગણતરીએ મને માણસ બનાવ્યો, તેં
કહ્યું'તું ક્યાં ?- નઠારૂં થઈ જવું છે કોઇપણ ભોગે !

પ્રથા તો મેં ય રાખી છે, નમે એને જ નમવાની
છતાં એકે હજારૂં થઈ જવું છે, કોઇપણ ભોગે !

ડો.મહેશ રાવલ

Monday, March 03, 2008

...તોય શું ?

કિસ્સાતરીકે વાત જો ફેલાય, તોય શું ?
મારા વિષેની માન્યતા, બદલાય તોય શું ?

સંબંધનું આકાશ ખુદ દુષ્કાળગ્રસ્ત છે
સપનાં પ્રણયના, જળસભર દેખાય તોય શું ?

હું તો અધૂરા પર્વની તસ્વીર છું, હવે
ભીંતો ગમે તે રંગથી રંગાય, તોય શું ?

કાંડાવગરના હાથનું જ્યોતિષ, શું કરે !
નવગ્રહ, દસે દીશા, અસર, ચર્ચાય તોય શું ?

થીજી ગયેલા રક્તમાં ઉત્તેજના નથી
ઉત્કંઠ ઈચ્છા, કાનમાં ફૂંકાય તોય શું ?

મારા હ્રદયમાં, એકલો શૂન્યાવકાશ છે
ઉલ્લેખ કૂણી લાગણીનો થાય તોય શું ?

સાતેય કોઠે રંગહિન છાયા ફરીવળી
સૂરજ તપે, કે ચાંદની ઢોળાય તોય શું ?

સંવેદના જેવું કશું અસ્તિત્વમાં નથી
ગમતા વિષયની વારતા મંડાય તોય શું ?

નાજુક તબક્કે મોતની છે જીત -આખરે !
ખુલ્લી રહે કે આંખ આ, મિંચાય તોય શું ?

ડો.મહેશ રાવલ