Monday, December 31, 2007

ચાલો માણસ-માણસ રમીએ !


ખુલ્લં-ખુલ્લા પળભર, ચાલો માણસ-માણસ રમીએ

લજ્જા મૂકી અધ્ધર, ચાલો માણસ-માણસ રમીએ !

સપનાં સામે, સપનાં જેવું સપનું મૂકી દઈએ
આંખે આંજી ઝરમર, ચાલો માણસ-માણસ રમીએ !

જેનાં નામે તરતો જોયો પથ્થર, સગ્ગી આંખે
પડકારી એ ઈશ્વર, ચાલો માણસ-માણસ રમીએ !

પરસેવે નીતરતાં લથબથ, અડધાં ભૂખ્યા પેટે
પાટા બાંધી નવતર, ચાલો માણસ-માણસ રમીએ !

આંટી-ઘૂંટી જેવાં અમથે-અમથાં સગપણ વચ્ચે
ઉજવી લઈએ અવસર, ચાલો માણસ-માણસ રમીએ !

હોવાની પીડાથી બમણી, નહીં હોવાની ચિંતા

અંગેઅંગ લઈ કળતર, ચાલો માણસ-માણસ રમીએ !

દેખાદેખી, દેખાડો, ને નખશીખ ઈર્ષા, અવઢવ
કાંઠાળા મન તટ પર, ચાલો માણસ-માણસ રમીએ !


ડૉ.મહેશ રાવલ

Saturday, December 29, 2007

બહુ તરજુમો કરવો ય શું?


નખશિખ અજાણી રાતનો બહુ તરજુમો કરવો ય શું?
આ સાવ અમથી જાતનો,બહુ તરજુમો કરવો ય શું?

સમજાય એવા સાદનાં વિશ્લેષણો,અઘરાં નથી
અસ્પષ્ટ પ્રત્યાઘાતનો,બહુ તરજુમો કરવો ય શું?

ઉઘડે અજાણ્યાં હોય તો પણ ભેદ સહુ,આગળ જતાં
પણ ઓળખીતી ઘાતનો,બહુ તરજુમો કરવો ય શું?

હોનારતી વાતાવરણ,સાબૂત છોડે નહીં કશું
આ ભીતરી ઉત્પાતનો,બહુ તરજુમો કરવો ય શું?

એકાંતમાં બે-ફામ રોયો છું ઘણું,ઘણીવાર હું
જાહેરમાં,કલ્પાંતનો બહુ તરજુમો કરવો ય શું?

કોને ખબર છે કઈ પળે અટકી જશે,આ જાતરા?
આ ખૂટતી ખેરાતનો,બહુ તરજુમો કરવો ય શું?

અડધે સુધી સાથે હતી એ ભીડ કાં વિખરાઈ ગઈ?
છેલ્લે હવે એ વાતનો,બહુ તરજુમો કરવો ય શું?


ડૉ.મહેશ રાવલ

Wednesday, December 26, 2007

એવું કઈંક મળવાનું !


તરસની વારતા મંડાય, એવું કઈંક મળવાનું
બધાની આંખમાં, વંચાય એવું કઈંક મળવાનું !

ઉતરતી ઓટ, ને ચડતી જતી ભરતી બને સાક્ષી
પછી, ઈતિહાસ આલેખાય એવું કઈંક મળવાનું !

જરાક જ ખોતરો પાપણ, અને ભીનાશ વચ્ચેથી
પરસ્પર સાંકળી લેવાય, એવું કઈંક મળવાનું !

નિવેદન હોય એવું કે, "નથી કઈં સ્નાન-સૂતક"-પણ
છતાં સંબંધમાં, ચર્ચાય એવું કઈંક મળવાનું !

ફરૂં છું કાંધપર લઈ બોજ હું, બે-ફામ સગપણનો
મને ક્યારેક તો, ઉજવાય એવું કઈંક મળવાનું !

નહીંવત્ શક્યતા છે તોય, એવું કેમ લાગે છે ?
પ્રથમ થઈ બાદ, વત્તા થાય એવું કઈંક મળવાનું !

ફરીથી મેં ઉખેડ્યો છે જુનો ઈતિહાસ, આ વખતે
વળી રસ્તો કશે ફંટાય, એવું કઈંક મળવાનું !

ફલક સંબંધનું વિસ્તાર પામ્યું છે, નવેસરથી
નવી અઢળક ગઝલ સર્જાય, એવું કઈંક મળવાનું !


ડૉ.મહેશ રાવલ

Monday, December 24, 2007

અમુક્ને બાદ કરવાથી !


ઘણું વત્તા થયું છે પણ,અમુક્ને બાદ કરવાથી
ફરી લીલું થયું છે રણ,અમુક્ને બાદ કરવાથી !

નદીની જેમ નીકળી લાગણી,ઉંડાણ બમણું લઈ
વછૂટી એમ,જાણે ધણ અમુકને બાદ કરવાથી !

અધૂરી ક્યાં રહી એકેય રીતે,શક્યતા પોતે ?
હવે ઉભરાય છે હર ક્ષણ,અમુક્ને બાદ કરવાથી !

ખરેખર જિંદગી પોતે જ કિસ્સો છે,અધુરપનો
મળી છે એટલી સમજણ,અમુક્ને બાદ કરવાથી !

નથી રાખ્યાં અમે એકેય કિસ્સા યાદ,અણગમતાં
છતાં પણ યાદ છે બે-ત્રણ,અમુક્ને બાદ કરવાથી !


ડૉ.મહેશ રાવલ

Wednesday, December 19, 2007

વધાવ્યાં છે !

તને દરિયો ગમે છે પણ અમે તો,રણ વધાવ્યાં છે
ફરે છે તું તરસ લઈને,અમે કારણ વધાવ્યાં છે !

તફાવત આપણી વચ્ચે હજૂ અકબંધ છે,આજે
ઉછેર્યો ધોમ તડકો તેં,અમે શ્રાવણ વધાવ્યાં છે !

મળ્યું જે પણ વરદ્હસ્તે,કર્યું નત્ મસ્તકે સ્વીકૃત
ન રાખ્યાં માન્ય ફૂલો તેં,અમે ઘા પણ વધાવ્યાં છે !

જરૂરી હોય જ્યાં નિર્ણય ત્વરિત નાજુક તબક્કે,ત્યાં
અનુત્તર હોય તું ત્યારે,અમે તત્ક્ષણ વધાવ્યાં છે !

ગણી લઈએ જુના સાથે,નવા બે-ફામ ઝખ્મોને
વધાવ્યા'તા અમે એ પણ,અમે આ પણ વધાવ્યાં છે !


ડૉ.મહેશ રાવલ

Sunday, December 16, 2007

આપે છે...!


અધૂરાં સ્વપ્નનો એકેક પગલે ભાર આપે છે
હવે ક્યાં કોઇ રસ્તો,પર્વનો અણસાર આપે છે ?

નજીવા કારણો,સંબંધ પર સીધી અસર કરશે
ખુલાસા કોણ ખુલ્લેઆમ,વારંવાર આપે છે ?

મળે ત્યારે,મળે છે સાવ અંગતથઇ મને કાયમ
અજાણ્યાથી વધારે દર્દ,ઓળખનાર આપે છે !

ઉતાવળ આપણી,લઈજાય છે શંકા તરફ,નહીંતર
ખુદા તો હર દુઆનું ફળ,તબક્કાવાર આપે છે !

પરસ્પર સાંકળી લેવાય છે બે શ્વાસ વચ્ચે,પણ
મરણનો ખોફ,જીવન જીવવા આધાર આપે છે !

ગણું છું રોજ વ્રણ આશ્ચર્ય વચ્ચે,પીઠ પાછળનાં
જુનાં રૂઝાય ત્યાં,અંગત નવા બે-ચાર આપે છે !

નથી મળતું અપેક્ષિત કઈં,અપેક્ષા હોય છે ત્યારે
અમસ્તાં,લોકો આશ્વાસન ખુલાસાવાર આપે છે !


ડૉ.મહેશ રાવલ

Thursday, December 13, 2007

વાત લાવ્યો છું !

અધૂરાં ઓરતાંની વાત લાવ્યો છું
મળી, એ મૂળરૂપે જાત લાવ્યો છું !

નિચોવ્યો શબ્દને આખો, નવેસરથી
મળેલાં અબ્ધિ સાતે-સાત લાવ્યો છું

ઈજારો માન્ય કેવળ એક, ઈશ્વરનો
ખુમારી એજ, એ જઝબાત લાવ્યો છું

અનિર્ણિત રહી ગયાં જે કારણે નિર્ણય
તમારાં, સર્વ ચંચૂપાત લાવ્યો છું !

અસર, કાંટા ય ફૂલો જેમ ભોગવશે
હવાઓની અસલ ઓકાત લાવ્યો છું !

ન ફાવ્યાં દુશ્મનો, ત્યાં દોસ્ત ફાવ્યાં છે
વરદ્હસ્તે મળેલી ઘાત લાવ્યો છું !!

ન વત્તા થઈશકી, કે બાદ પણ ન થઈ
અહીં, એ શક્યતા સક્ષાત લાવ્યો છું !


ડૉ.મહેશ રાવલ

Sunday, December 09, 2007

અજાણ્યું નીકળે !

આપણાંથી આપણું આ ઘર, અજાણ્યું નીકળે
'ને પછી, સંબંધ જેવું સ્તર અજાણ્યું નીકળે !

કઇંક હોવું જોઇએ, જે સત્યથી જોડી શકો
સત્ય જેવું સત્ય પણ નહિંતર, અજાણ્યું નીકળે !

મન ખરેખર કઇંનથી, છે માત્ર ઈચ્છાનું નગર
બહાર કરતાં તો અધિક અંદર અજાણ્યું નીકળે !

કેળવી લઉં છું ઘરોબો આંસુઓથી,હરવખત
ઓળખીતાનું વલણ, અક્સર અજાણ્યું નીકળે !

જે નથી એ પામવાની ઘેલછા છે, જિંદગી
હોય એ હોવાછતાં, ભીતર અજાણ્યું નીકળે !


ડૉ.મહેશ રાવલ

Friday, December 07, 2007

અફવામાં ખપે !

એવું બને કે,વાત અફવામાં ખપે
આગળ જતાં,જઝબાત અફવામાં ખપે!

દેખાય એવું શક્ય છે નીકળે નહીં
સંબંધની ઓકાત,અફવામાં ખપે!

આશ્ચ્રર્ય વચ્ચે ભેદ ખૂલે,ને પછી
ઓળખ,પરખ,મિરાત,અફવામાં ખપે!

જો આવડે,તો જિંદગી અઘરી નથી
નહીંતર ઘણાંની જાત,અફવામાં ખપે!

સરહદ ગણાતી હદ-પ્રસંગોપાત હો
પણ વિસ્તરણ સાક્ષાત,અફ્વામાં ખપે!

ઈચ્છા જ રાખે છે સજીવ આભાસને
અણસાર,કાં એકાંત,અફવામાં ખપે!


ડૉ.મહેશ રાવલ

Tuesday, December 04, 2007

અધૂરાં ઓરતાં

અધૂરાં ઓરતાં લઈને ફરૂં છું હું

સરાજાહેર,ખુદને આંતરૂં છું હું !

ગમે છે એ નથી મળતું,હકીકતમાં
સતત અણગમતાંને,ગમતું કરૂં છું હું !

વિષય મારો,હવે મારો વિષય ક્યાં છે?
વિષયઆંતર કરીને,વિસ્તરૂં છું હું !

મળી છે જિંદગી પણ એ વકલનીં,કે
મરીને રોજ,પાછો અવતરૂં છું હું !

ખરેખર સાવ સુક્કાં છે બધાં સગપણ
છતાં,લીલાં ગણીને ચીતરૂં છું હું !

બધું બદલાય છે,બદલે દશા ત્યારે
મને,બદલાવ સાથે જોતરૂં છું હું !

નથી કઈં હાથમાં કે ભાગ્યમાં,તો પણ
ભરોસાનાં ભરોસે,પાંગરૂં છું હું !

ડૉ.મહેશ રાવલ

Monday, December 03, 2007

ઇન્સાન જોયાં છે !

અધિક્તર આંખમાં તોફાન જોયાં છે
અને,એ આંખ આડા કાન જોયાં છે !

ખુલાસા ક્યાં કરે છે કોઈ,ભીતરનાં ?
ઉપરછલ્લાં અધુરાં જ્ઞાન જોયાં છે

નથી રહી માતબર સંખ્યા,કબૂલું છું
નહીંતર,દોસ્ત જીગરજાન જોયાં છે !

હકીકત સ્પષ્ટ થઈ કે,ક્યાંક છે ઈશ્વર
અમે આ જ્યારથી ઇન્સાન જોયાં છે !

વિકસતાં હોય છે સંબંધ,આડશ લઇ
છતાં જાહેરમાં,અન્જાન જોયાં છે !

અલગ છે કે,નથી પૂરાં થયાં સઘળાં
અમે પણ સ્વપ્ન,જાજરમાન જોયાં છે !

નથી શીખતાં મનુષ્યો ભૂલમાંથી કઈં
ઘણાનાં તૂટતાં ગુમાન જોયાં છે !

ડૉ.મહેશ રાવલ