Thursday, August 28, 2008


જિંદગી !

રાત રાત જાગવાનું નામ,જિંદગી
જાતને ચકાસવાનું નામ,જિંદગી !

એકમાં અનેક,'ને અનેક એકમાં
સુક્ષ્મનેં પિછાણવાનું નામ,જિંદગી !

અન્યથી અલગ તરી બતાવવા,સતત
સ્હેજ ફેર રાખવાનું નામ,જિંદગી !

મૂળ રંગ જાળવી,તમામ રંગમાં
ઓગળી બતાવવાનું નામ,જિંદગી !

જઈ શકાય એટલી હદે ગયા પછી
હદ વિષે વિચારવાનું નામ,જિંદગી !


ડો.મહેશ રાવલ

Monday, August 25, 2008


રંગ રાખ્યો છે !

હતો મોઘમ છતાં,એના ઈશારે રંગ રાખ્યો છે
જુદી રીતે મળ્યો,પણ આવકારે રંગ રાખ્યો છે !

બધાએ તક મળી ત્યારે કર્યો હડધૂત,સરવાળે
ખરેટાણે,ખુદાના કારભારે રંગ રાખ્યો છે !

ચકાસ્યા ધ્યાનથી સંબંધના ખાતા નવેસરથી
થયું નક્કી,જમા કરતાં ઉધારે રંગ રાખ્યો છે !

રહસ્યો જિંદગીનાં કેમ હું જાણી શકત નહીંતર?
હતાં જે સાવ અંગત,એ સહારે રંગ રાખ્યો છે !

નથી મળતું જરૂરી અહીં,જરૂરત હોય છે ત્યારે
અલગ છે કે ખુદાએ છાશવારે રંગ રાખ્યો છે !

મળ્યું નહીં કોઇ ઘરમાં કે,ન ઘરની બ્હાર,અંગત થઈ
અમારા આંસુઓએ હરપ્રકારે રંગ રાખ્યો છે !

મળી છે શાંતિ આજે,પણ મળી છે જીવનાં ભોગે !
ન રાખ્યો જિંદગીએ,તો મઝારે રંગ રાખ્યો છે !!


ડો.મહેશ રાવલ

Thursday, August 21, 2008

પ્રથમ-આ પંક્તિઓ જુઓ!

બધું છે તોય,ટાણે ખોટ વરતાણી
અહીં ભરતી,અને ત્યાં ઓટ વરતાણી


ફળી નહીં એકપણ ઈચ્છા,અનાયાસે
ચકાસ્યું જો હૃદય,તો ચોટ વરતાણી !
----*----
પ્રશ્ન, ઊભો છે હજૂ !

ઇચ્છાહરણનો પ્રશ્ન, ઊભો છે હજૂ
જીવન-મરણનો પ્રશ્ન, ઊભો છે હજૂ !

ઓછું નથી સંબંધનું ઐશ્વર્ય, પણ
નામક્કરણનો પ્રશ્ન, ઊભો છે હજૂ !

છે ઉપકરણ ઉપલબ્ધ સઘળાં, તે છતાં
સ્થાનાંતરણનો પ્રશ્ન, ઊભો છે હજૂ !

વિક્સી રહ્યાં છે હદ વળોટી શહેર, પણ
પર્યાવરણનો પ્રશ્ન, ઊભો છે હજૂ !

છલકાય છે તો ક્યારનો ઘટ, પાપનો
પણ અવતરણનો પ્રશ્ન, ઊભો છે હજૂ !!


ડો.મહેશ રાવલ

Sunday, August 10, 2008

આપણું મૂલ્ય !

પ્રસંગે-પ્રસંગે નિખરતું જવાનું
પછી,એ પ્રસંગો વિસરતું જવાનું !

શિરસ્તો હતો કાલ,'ને આજપણ છે
ન જીતી શકો તોય,રમતું જવાનું !

રહી કયાં કદી કોઇની બંધમુઠ્ઠી ?
ઉઘડતાં-ઉઘડતાં,ઉઘડતું જવાનું !

ઘડી,પળ,બધું હોય છે પૂર્વ નિશ્ચિત
સમય ફેરવે એમ,ફરતું જવાનું !

નથી આપણું મૂલ્ય ઝાકળથી ઝાઝું
ટપકતાં-ટપકતાં નિતરતું જવાનું !


ડો.મહેશ રાવલ

Friday, August 08, 2008

પોષાય એવું ક્યાં હતું !

કંઈ નવેસર ધારવું પોષાય એવું ક્યાં હતું
આ તબક્કે,હારવું પોષાય એવું ક્યાં હતું !

વ્યસ્ત રાખ્યો છે સતત,સગપણ ગણાતાં વળગણે
'ને હવે,પરવારવું પોષાય એવું ક્યાં હતું !

તરવરે છે આંખ સામે,કાલનોં વૈભવ હજૂ
મન મનાવી,વારવું પોષાય એવું ક્યાં હતું !

હું મથું છું ભેદ ભીતરનાં ઉકલવા,ત્યાં વળી
બ્હારનું વિચારવું પોષાય એવું ક્યાં હતું !!


ડો.મહેશ રાવલ

Friday, August 01, 2008

પર્યાપ્ત માત્રામાં !

મળે છે એ,મળે છે ક્યાં બધું પર્યાપ્ત માત્રામાં
અપેક્ષા થઈ ફળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં !

નદીનેં પૂછશો તો એ ય,ઉત્તર એજ દેવાની
કિનારે ખળભળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં !

જતાં કે આવતાં સામું મળે,એ સર્વ વચ્ચેથી
મજાનું નીકળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં !

અલગ છે કે,તપાવ્યે જાય છે સૂરજ અવિરત,પણ
તપીનેં ઓગળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં !

પ્રસંગો પણ હવે ઉજવાય છે કાયમ,ઉચકજીવે
પ્રસંગો સાંકળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં !

અરીસો એજ કારણસર કદાચિત્ત મૌન પાળે છે
નજરમાં સળવળે છે ક્યાં બધું,પર્યાપ્ત માત્રામાં !


ડો.મહેશ રાવલ