Thursday, January 31, 2008

હું બટકણીં.......!

હું બટકણીં ડાળનીં કૂંપળ નથી!
કોઈ ખરતાં ફૂલનું અંજળ નથી !

છું હકીકત જ્યાં વસે, એ સલ્તનત
હું દિવાસ્વપ્નો ઉછરતું સ્થળ નથી !

ઝળહળે છે બેય આંખે સત્યતા
કંઈ, અસતનીં આંધળી અટકળ નથી !

મેં ઘરોબો કેળવ્યો છે, શબ્દથી
સાવ કોરા મૌનનો કાગળ નથી !

જે મળે છે, એજ આપું છું પરત
એ વિષયમાં ક્યાંય, મનમાં છળ નથી !

આવડે જો ખોલતાં તો શક્ય છે
અન્યથા, આસાન ખુલતી કળ નથી !

શક્યતાઓ લઈ ફરૂં છું, કાંધપર
ધૂંધળી, અસ્પષ્ટ, અમથી પળ નથી !

છું વિષય, હું માતબર ઐશ્વર્યનો
ઓટલે ચર્ચાય એ ટિખળ નથી !

ધોમધખતો તાપ છું, વૈશાખનો
માવઠાનું, વાંઝિયું વાદળ નથી !


ડૉ.મહેશ રાવલ

Thursday, January 24, 2008


હવે જે થાય તે સાચું !


વધે છે વારતા આગળ, હવે જે થાય તે સાચું
ફરી ઘેરાય છે વાદળ, હવે જે થાય તે સાચું !

હતું કે, થઈ ગયો કિસ્સો દફન હંમેશ માટે, પણ
મળ્યો છે એમનો કાગળ, હવે જે થાય તે સાચું !

ફરીથી, શક્ય છે ઈતિહાસ આખો ચૂંથશે લોકો
ઉઘડશે કઈંક જૂના વળ, હવે જે થાય તે સાચું !

ખુલાસા, આજપણ ગઈકાલ જેમજ નહીં ગળે ઉતરે
ગણાશે ગોઠવેલું છળ, હવે જે થાય તે સાચું !

અધિક્તર થાય છે એવું થશે, સંબંધ બાબતમાં
લગાવ્યું દાવપર અંજળ, હવે જે થાય તે સાચું !

દિલાસા દઈને લોકો ખોતરે છે દર્દ, ઉંડેથી
શરૂ થઈ છે ફરી ચળવળ, હવે જે થાય તે સાચું !


ડૉ.મહેશ રાવલ

Tuesday, January 22, 2008

મળે છે!


હવે ક્યાં કશી જાણકારી મળે છે ?
મળે તોય,ક્યાં એકધારી મળે છે!

નથી થઈ શકાતું અલગ,આપણાંથી
અલગતા સ્વયં,નામધારી મળે છે !

ઘણીવાર એવું બને એક ક્ષણ,કે
પછીની ક્ષણો,વેગધારી મળે છે !

ભલે આમ દેખાય અકબંધ ભીંતો
છતાં ક્યાંક,એકાદ બારી મળે છે !

પડે,તો બની જાય ઘેરી સમસ્યા!
નજર ક્યાં બધાનેં ય,સારી મળે છે ?



ડૉ.મહેશ રાવલ

Saturday, January 19, 2008


બને નહીં !

હશે કોઇ કારણ, નહીતર બને નહીં
હૃદય કોઇનું, સાવ પથ્થર બને નહીં !

દિવસ જેમ ઊગી હશે, કોઇ બાબત
કદી સામટા પ્રશ્ન, ઉત્તર બને નહીં !

અજુગતું કશુંક જો બને તો અલગ છે
મનુષ્યો, મિલનસાર અક્સર બને નહીં !

સમાધાન કરવું પડે, જાત સાથે
અને જાત, અમથી ઉજાગર બને નહીં !

વિષય હોય નાજુક તો, ચર્ચાય ચોરે
બધી વાતનું કઈં વતેસર બને નહીં!

થયું હોય સાહસ અસામાન્ય રીતે
અમસ્તું જ સામાન્ય, સધ્ધર બને નહીં !

વધી જાય નખ,તો ત્યજે ટેરવાને
છતાં મૂળ સંબંધથી, પર બને નહીં !


ડૉ.મહેશ રાવલ

Thursday, January 17, 2008

વાત,ચકરાવે ચડી !


ઘરમાં જ ઘરની વાત, ચકરાવે ચડી !

સંબંધની મીરાત, ચકરાવે ચડી !

ભરતી પછીની ઓટ એવી વિસ્તરી
કે, ફીણ જેવી જાત ચકરાવે ચડી !

છલકાઈ બેઠાં આખરે, અડધાં ઘડા
જઝબાતની ઓકાત, ચકરાવે ચડી !

ભૂલી જવાયું -ભીંતને પણ કાન છે
ચર્ચાઈ તો, અમીરાત ચકરાવે ચડી !

હોનારતી વાતાવરણથી ગ્રસ્ત થઈ
તો, જિંદગી સાક્ષાત ચકરાવે ચડી !


ડૉ.મહેશ રાવલ

Tuesday, January 15, 2008

ગાગરમાં સાગર

ગાગરમાં સાગર છે મનવા!
પરપોટાનાં થર છે મનવા!

અમથી છે રંગોની ભ્રમણા
રંગો ક્યાં પગભર છે મનવા!

વત્તા,ઓછા,ગુણ્યા,ભાગ્યા
અંતે,સહુ સરભર છે મનવા!

ખાલી તંબૂ,ખાલી ડેરા
સરકસ છે,જોકર છે,મનવા!

અંતે ગણ કે ગણ આરંભે
શ્રધ્ધા છે,ઈશ્વર છે,મનવા!!


ડૉ.મહેશ રાવલ

Sunday, January 13, 2008

કઈંનથી !


એકધારી જિંદગીમાં, ધાર જેવું કઈંનથી !
સ્વપ્ન છે,પણ સ્વપ્નના વિસ્તાર જેવું કઈંનથી

સાવ ખાલી હાથનો આ ખોખલો વૈભવ, સતત
બંધબેસે ક્યાં ? કશા આધાર જેવું કઈંનથી

યંત્રવત્ ચાલ્યા કરે છે શ્વાસમાં, હોવાપણું
થાક છે, પણ થાકના ઉપચાર જેવું કઈંનથી!

એજ રસ્તો, એ વળાંકો, એજ હું, ને આ બધું
કોઇના અસ્તિત્વમાં, અધિકાર જેવું કઈંનથી!

સાંકળી લેવાય છે સંવાદ,પાત્રો,ને કથા
મૂળ મુદ્દો એ હતો કે, સાર જેવું કઈંનથી !

એ ખરૂં કે શક્યતા ઘેરાય છે, ચારેતરફ
પણ, હજૂ વરસાદના અણસાર જેવું કઈંનથી!

છેવટે થઈગઈ અસર, અફસોસ કેવળ એજ છે
લાગણીનાં ડંખનાં ઉપચાર જેવું કઈંનથી !!


ડૉ.મહેશ રાવલ

Friday, January 11, 2008

ચોકડી મારો !


અજાણ્યા થઈ ગયેલાં નામ સામે, ચોકડી મારો !
વિષય કરતાં અલગ, અંજામ સામે ચોકડી મારો!

અરીસાની અધૂરી વારતા, તસ્વીરમાં મળશે
ચુકાદા ફેરવી, પરિણામ સામે ચોકડી મારો !

મનસ્વી હોય એ, સ્વીકૃત નથી કરતાં બધા સત્યો
વસે છે જ્યાં અસત્ એ ગામ સામે ચોકડી મારો !

ન બીજું થઈ શકે તો, એટલું તો થઈ શકે છેલ્લે
કે, હિંમત કેળવી ઇલ્ઝામ સામે ચોકડી મારો !

હવે ક્યાં કોઇ ઘૂંટે છે, જુનાં સંબંધનાં અક્ષર ?
નવેસરથી, બધાં આયામ સામે ચોકડી મારો !


ડૉ.મહેશ રાવલ

Wednesday, January 09, 2008

છોડી જવાનું છે !


બધાંને છેવટે,અડધી રમત છોડી જવાનું છે
અધૂરા ઓરતાં વચ્ચે, જગત છોડી જવાનું છે !

પરસ્પર સાંકળેલાં,અનગિનત સગપણ અને વળગણ
બધું છોડી-વછોડીને, મમત છોડી જવાનું છે !

રમકડું રાખનું આ સાવ તકલાદી વકલનું છે
ક્રમાનુસાર, સહુને માવજત છોડી જવાનું છે !

ભરેલી ફૂંકનો વૈભવ ભલે ઐશ્વર્યશાળી હો
બટકણાં શ્વાસ તૂટે, 'ને તરત છોડી જવાનું છે !

સમય ક્યાં કોઇને બાકાત રાખે છે,અસરમાંથી?
સકળ લીલા સમેટીને ભગત!, છોડી જવાનું છે !


ડૉ.મહેશ રાવલ

Monday, January 07, 2008

છે પ્રશ્ન કેવળ એટલો !


ખાતાવહી સરભર નથી, છે પ્રશ્ન કેવળ એટલો
આધાર છે,સધ્ધર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

પ્રત્યેક પાસે આમ તો, છે આગવી ઓળખ-પરખ
જે બહાર, તે અંદર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

અત્યંત નાજુક હોય છે સંબંધ, ભીતર-બહારથી
પણ માવજત નક્કર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

ટોળે વળી સપના દિવસભર, રાતની ચર્ચા કરે
'ને રાત પાસે ઘર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

ઘટના અજુગતી, કેટલી, ક્યારે ઘટે નક્કી નથી
અહીં કોઇને કઈં ડર નથી, છે પશ્ન કેવળ એટલો !

અંગતપણાની આડ લઈ સર્જાય છે વીટંબણા
એ પ્રશ્ન છે, ઉત્તર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

ઘરનાં ગણાતા હોય એ, અપવાદ નીકળે શક્ય છે
પણ ઘર હવે ખુદ ઘર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

જોખમ બનીને ત્રાટકે જે લક્ષ્ય પર-છે ક્યાં હવે?
એ વેણ, એ વેતર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !

છે ઈશ્વરીયત સત્ય, 'ને એ સર્વવ્યાપી હોય છે
માણસપણું પગભર નથી, છે પ્રશ્ન કેવળ એટલો !


ડૉ.મહેશ રાવલ

Saturday, January 05, 2008

મજા સત્યની

પાંદડે-પાંદડે પાનખર વિસ્તરે
એક કૂંપળ,સહજ,બે-ખબર,વિસ્તરે!

બાગ આખો અસરગ્રસ્ત છે,તે છતાં
શખ્સિયત ફૂલની,તર-બ-તર વિસ્તરે!

કોઇ,સંબંધનેં મૂલવો નામ દઈ
તો,મકાનો મહીં એક ઘર વિસ્તરે!

ઓળખીતું થતું જાય,હોવાપણું
'ને પછી,જિંદગીપર અસર વિસ્તરે!

છે મજા સત્યની,એજ સાચી મજા
કે,સમયસર અને દર-બ-દર વિસ્તરે!


ડૉ.મહેશ રાવલ

Thursday, January 03, 2008

ચર્ચા નકામી છે !


અધૂરાં રહી ગયેલાં પર્વની ચર્ચા નકામી છે
અજાણ્યાં થઈ મળેલાં, સર્વની ચર્ચા નકામી છે !

વિષય નાજુક હતો, સંબંધનાં નામક્કરણનો, પણ
અનાહત રહી ગયેલાં, ગર્વની ચર્ચા નકામી છે !

દશા બદલાય છે ત્યારે જ તૂટે આવરણ ઉપલાં
જવાદો! એ ઝખમ, એ દર્દની ચર્ચા નકામી છે !

ઘણાંને કામ આવ્યાં, એજ અમને કામ ના આવ્યાં
અહીં, એ સંઘરેલાં સર્પની ચર્ચા નકામી છે !

તમારે શું? તમે તો જિંદગી પગભર કરી લીધી
અમારા કારમા સંઘર્ષની ચર્ચા નકામી છે !

રગેરગ ઉતરીગઈ છે હવે ખારાશ, છોડી દ્યો!
અવિરત્ આંસુનાં સંદર્ભની ચર્ચા નકામી છે !

નજીવા કારણો પણ નિર્ણયાત્મક થઈ શકે સાબિત
દુઆ, ને બદદુઆના ફર્કની ચર્ચા નકામી છે !


ડૉ.મહેશ રાવલ