Friday, September 26, 2008

નીકળું !

શક્ય છે,હું કાલ આગળ નીકળું
આંસુઓ પીધેલ કાજળ નીકળું !

હોય દસ્તાવેજ દરિયાનો,તમે
હું,તરસનો મૂળ કાગળ નીકળું !

ક્યાંક ચમકે વીજ-શા હસ્તાક્ષરો
હું કલમના ઝાડનું ફળ નીકળું !

શું થયું જો સ્પર્શને ભાષા નથી?
હું ત્વચાના મૌન પાછળ નીકળું !!!

ડો.મહેશ રાવલ

Wednesday, September 10, 2008

પથરા તરે નહીં !


સપનાં ઉઘાડી આંખના, સાચા ઠરે નહીં
વીતી ગયેલા વાયરા, પાછા ફરે નહીં !

માણસ ગમે તે થઈ શકે, ઈશ્વર ન થઈ શકે
ક્યારેય એના નામથી પથરા તરે નહીં !

હદથી વધારે વિસ્તરે, તો જોખમી બને
હદમાં રહે, તો લાગણી હિબકા ભરે નહીં !

ઈશ્વરપણાની વેદના ટપકી રહી હશે ?
નહિતર ગગનથી આટલાં તારા ખરે નહીં !

ભીનાંશ જેવું કંઈક છે જીવંત, આજપણ
અમથી સ્મરણની લીલ કંઈ વિસ્તરે નહીં !

સધ્ધર થવાની ઘેલછા, ઓકાત ભૂલવે
ક્યો આગિયાને, સૂર્યની ઈર્ષા કરે નહીં !

મારા ય ઘરની ભીંતને હો કાન, શક્ય છે
ઘરનાં વિષય લોકો સુધી અમથાં સરે નહીં !!


ડો.મહેશ રાવલ

Tuesday, September 02, 2008


સમય ક્યાં હતો !

અર્થ વિસ્તારવાનો સમય ક્યાં હતો
પારદર્શક થવાનો સમય ક્યાં હતો !

જઈ શકાયું નહીં,એ અલગ વાત છે
આમ તો,ત્યાં જવાનો સમય ક્યાં હતો !

શક્ય છે માર્ગ ફંટાય આગળ જતાં
સ્વીકૃતિ આપવાનો સમય ક્યાં હતો !

કોણ,કોના ભરોસે તરી જાય છે
એ વિષય છેડવાનો સમય ક્યાં હતો !

આ જ વેષે મને ઓળખે છે બધા
વેષ બદલાવવાનો સમય ક્યાં હતો !

કૈંક એવા તબક્કે હતી જિંદગી
ફેરવી તોળવાનો સમય ક્યાં હતો !

ઠીક છે આ અજાણ્યાપણું,આમ તો
જાણતલ થઈ જવાનો સમય ક્યાં હતો !


ડો.મહેશ રાવલ