Wednesday, October 22, 2008


... યાદ રાખે છે !

તમારી હર દુઆઓ, બદદુઆથી બાદ રાખે છે
તમારાથી વધારે, કોણ અમને યાદ રાખે છે !

હતો ક્યાં કોઇ મતલબ જિંદગીનો, જિંદગી પાસે
તમારો સાથ, અમને હરપળે આબાદ રાખે છે !

નહીંતર ક્યાં હતું એકેય કારણ, આપવા જેવું
હવે હરએક કારણ, અર્થનો ઉન્માદ રાખે છે !

તમે છો, એજ આશ્વાસન અસલ જાહોજલાલી છે
તમારા નામનો વૈભવ, અલગ આસ્વાદ રાખે છે !


ડો.મહેશ રાવલ

Sunday, October 19, 2008



આવકારી શક્યા નહીં !

તફાવત હતો પણ, નિવારી શક્યા નહીં

સહારા ય છેલ્લે ઉગારી શક્યા નહીં

મુકદર જુઓ આપણું કે, અધિકતર
કદી સત્યને આવકારી શક્યા નહીં

પલળતું ગયું પોત ભીનાશ વચ્ચે
જરાકે ય એને નિતારી શક્યા નહીં

જુદી નીકળી ધારણાથી હકીકત
અને ધારણા, ફેર ધારી શક્યા નહીં

વકરતી રહી નિત અડાબીડ ઈચ્છા
વિષય ચાતરીને, વિચારી શક્યા નહીં

અસર વિસ્તરી ગઈ, અસામાન્ય રીતે

ઈલમ ઓળખીતાં ય, તારી શક્યા નહીં


ડો.મહેશ રાવલ

Thursday, October 16, 2008


લખ મા !

વિષય સંબંધનો છેડી, વ્યથા લખ મા
સુખદ અંજામથી વંચિત કથા લખ મા !

બધાને ખ્યાલ છે ઇતિહાસ રસ્તાનો
ફરી, પગલાં ગળે એવી પ્રથા લખ મા !

ખુલાસા ક્યાં કરે છે કોઇ સાચા અહીં
અધૂરાં ઉત્તરો વચ્ચે, તથા લખ મા !

ઉઘડશે આંખ, તો સમજી જશે સઘળું
જગાડી કોઇને, તૈયાર થા લખ મા !


ડો.મહેશ રાવલ

Thursday, October 09, 2008



સ્હેજ મોડી જાણ થઈ !


આધાર અળગો થઈજવાની,સ્હેજ મોડી જાણ થઈ
'ને શક્યતા ઓછીથવાની,સ્હેજ મોડી જાણ થઈ!

તૈયાર હું તો થઈ ગયો'તો એમને સત્કારવા
સંબંધ,પાછો તૂટવાની સ્હેજ મોડી જાણ થઈ !

સપનું ય જોયું'તું હકીકત જેમ,એની ના નથી
પણ કૈંક સાલ્લું!ખૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

મેં તો લખી'તી માત્ર મારી વાત,વિસ્તારી જરા
ફણગો નવેસર ફૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

નાજુક તબક્કે પણ ન છોડી આશ મેં,દીદારની
એ બંધ બારી ખૂલવાની,સ્હેજ મોડી જાણ થઈ !

સંઘર્ષ મારો દર્દથી આજન્મ ચાલ્યો, શું કરૂં !
બહુ કારગત,નવતર દવાની સ્હેજ મોડી જાણ થઈ !

હું એમ સમજી થઈ ગયેલો નિષ્ફિકર કે,છે બધાં
સંગાથ અડધે છૂટવાની,સ્હેજ મોડી જાણ થઈ !

જીરવી શકો નહીં તાપ તો,છેટાં જ રહેજો સૂર્યથી
કહેતાં નહીં કે,ઉગવાની સ્હેજ મોડી જાણ થઈ !


ડો.મહેશ રાવલ