Monday, December 29, 2008


તો લખો !

પર્વ ઉજવાય એવું મળે,તો લખો
ક્યાંય માણસપણું ઝળહળે,તો લખો !

દૂરથી તો બધું હોય રળિયામણું
હાથવેંતે,અપેક્ષા ફળે તો લખો !

કોઇ અચરજ નથી ઓટ-ભરતી વિષે
હા!કિનારો સ્વયં ઓગળે તો લખો !

આખરે તો બધાં એજ રસ્તે જશે
કોઇ અપવાદ જો નીકળે,તો લખો !

અર્થ સમજાય એવો નથી,તે છતાં
જિંદગી અર્થને સાંકળે,તો લખો !


ડો.મહેશ રાવલ

Friday, December 12, 2008


તો સનસનાટી...!

ધારણા ખોટી પડે, તો સનસનાટી
વાત ચકરાવે ચડે, તો સનસનાટી

બહુ જ કપરી છે સવારી, સ્વપ્ન અશ્વે
સ્હેજ પણ એડી અડે, તો સનસનાટી

હોય જો મનમેળ તો મતભેદ શેનો ?
લાગણી ઠેબે ચડે, તો સનસનાટી !

પારદર્શક હોય છે સંબંધનું ઘર
કંઈક જો આડું નડે, તો સનસનાટી

રથ ફરે દાંપત્યનો, બન્ને ય પૈડે
એક પૈડું જો ખડે, તો સનસનાટી

સાવ નાજુક હોય છે દોરી, પ્રણયની
એકપણ આંટી પડે, તો સનસનાટી

સનસનાટી એટલે કે સનસનાટી
કોઇને પણ આભડે, તો સનસનાટી


ડો.મહેશ રાવલ

Monday, December 08, 2008



ઠોકરો ખાધી...

બદલતી હર અસરની ઠોકરો ખાધી
અમે, કારણ વગરની ઠોકરો ખાધી !

ઉઘડતી ગઈ નજરની ભૂખ, સરવાળે
છતી આંખે, નજરની ઠોકરો ખાધી !

ઘણાંએ માત્ર ખાધી છે ઉપરછલ્લી
ઘણાંએ, જાતપરની ઠોકરો ખાધી !

ગજા ઉપરાંત જોયાં જેમણે સપના
બધાએ, એજ બરની ઠોકરો ખાધી !

પરોક્ષ જ ઠીક છે વહેવાર, ઈશ્વરથી
નકામી દર-બ-દરની ઠોકરો ખાધી !

જુઓ સંજોગ કે, મૂક્યું હતું પાણી
ફરીથી એ નગરની ઠોકરો ખાધી !

વળ્યું નહીં કંઈ અને આંખે થયાં અમથા
ઉપરથી, સાવ ઘરની ઠોકરો ખાધી !!!!


ડો.મહેશ રાવલ


Saturday, December 06, 2008



સ્નેહનો ખૂણો.....

તસ્વીરનો ઈતિહાસ ક્યાં ઊણો હતો ?
મારા જ ઘરની ભીંતમાં લૂણો હતો !

સંબંધ નામે કંઈ નથી અસ્તિત્વમાં
પણ તોય, ચર્ચાનો વિષય કૂણો હતો !

છે આવરણ અંગાર માથે રાખનું
ભીતર, ધધખતો યાદનો ધૂણો હતો !

આખી હવેલી સંસ્મરણની ધ્વંસ થઈ
નિઃધ્વંસ કેવળ સ્નેહનો ખૂણો હતો !


ડો.મહેશ રાવલ