Sunday, June 15, 2008

રસ નથી !

નક્કર નથી, એ વિસ્તરણમાં રસ નથી
એકેય રીતનાં આવરણમાં, રસ નથી !

ઊંડાં હશે તો તાગશું મન, પ્રેમથી
પણ છીછરા એકેય જણમાં રસ નથી !

મૃગજળ અને જળનો ફરક સમજે નહીં
એવી તરસ, એવા હરણમાં રસ નથી !

પાછળ વળીને એટલે જોયું નથી
કે પાછલાં સંદર્ભ, ક્ષણમાં રસ નથી !!


ડો.મહેશ રાવલ

Wednesday, June 04, 2008

નકામું છે હવે !

આ ભીડમાં ભળવું,નકામું છે હવે
મન ક્યાંય સાંકળવું,નકામું છે હવે !

દેખાય છે એવું ખરેખર કંઈ નથી
દ્રષ્યો તરફ વળવું,નકામું છે હવે !

લોકો ય વિસ્ફોટક બની સામા મળે
સરેઆમ નીકળવું,નકામું છે હવે !

છે ગુમશુદા અધિકાંશ ઘરથી,ઘરપણું
ઘરમાં ય ઓગળવું,નકામું છે હવે !

શંકા ભરી નજરે જુએ છે,હરનજર
અહીં કોઇને મળવું નકામું છે હવે !


ડો.મહેશ રાવલ