Sunday, May 18, 2008


નકામી જીદ છોડી દે !


પછી નહીં કોઇ સમજાવે,નકામી જીદ છોડી દે !
ન ફાવ્યું,તો નહીં ફાવે,નકામી જીદ છોડી દે !

બધું રળિયામણું દેખાય છે સહુને,કિનારેથી
નજર ભરમાય-ભરમાવે,નકામી જીદ છોડી દે !

અતળ છે આજપણ ગઈકાલ જેમજ મન,મનુષ્યોનાં
નહીં કેમેય તળ આવે,નકામી જીદ છોડી દે !

સમંદર ખુદ નભે છે આમ તો,સધ્ધર નદી માથે
તરસ એને ય તરસાવે,નકામી જીદ છોડી દે !

ડો.મહેશ રાવલ

Monday, May 05, 2008

દઈબેઠો !


નકામા છે ખબર છે તોય એને કામ દઈબેઠો
અધૂરા સ્વપ્નને હું સાવ અંગત નામ દઈબેઠો !

નથી રહેતી ખબર છે કોઇ મોસમ કાયમી,અહીંયાં
છતાં હું પાનખરને હરવખત,ઈલ્ઝામ દઈબેઠો !

અલગ છે કે નથી આરંભ થઈ ચર્ચા,કથાનકની
ખબર નહીં કેમ હું આગોતરા અંજામ દઈબેઠો !

બધા સંબંધ પાછળ કંઈક મતલબ હોય છે,નક્કી
બે-મતલબ સાવ,સહુનેં લાગણી બે-ફામ દઈબેઠો !

નજીવા કારણો ક્યારેક રસ્તો આંતરી બેસે
હતાં ભયસ્થાન તો પણ,આગવા આયામ દઈબેઠો !

પછી,મારી સમસ્યા હરતબક્કે બેવડાતી ગઈ
વિવાદાસ્પદ વિષય પર ટિપ્પણી સરેઆમ દઈબેઠો !

અકારણ,સાવ અમથી,કોણજાણે શું કમત સૂઝી
કુતૂહલવશ,લયાન્વિત શ્વાસને વિરામ દઈબેઠો !

ડો.મહેશ રાવલ