Wednesday, October 31, 2007

પળ મળે-

હર અસરથી પર થવાની પળ મળૅ
કાં પછી,અવસર થવાની પળ મળે

બ્હાર-ભીતર બેઉ રીતે સજ્જથઇ
'ને પછી,તત્પર થવાની પળ મળૅ

જિંદગીના અર્થને વિસ્તારવા
સમ,સહજ,સધ્ધર થવાની પળ મળૅ

નીકળૅ રણકો સુરીલો, શ્વાસનો
એટલું નક્કર થવાની પળ મળૅ

ના કશું લેવું, ન દેવું હોય કંઇ
જાતને,સરભર થવાની પળ મળૅ


ડૉ.મહેશ રાવલ

Tuesday, October 30, 2007

"મુબારક"

સહુને સહુના ઘર મુબારક
ઉપરછલ્લા થર મુબારક!

ભીના-કોરા સગપણ વચ્ચે
સંબંધો, દુષ્કર મુબારક

છુટ્ટા, ભેળાં, કે સહિયારા
સપનાંઓ સધ્ધર મુબારક

લૂણોખાતી ભીંતો ઓથે
ઉજવાતા અવસર મુબારક!

મૂંગી તસ્વીરોની નીચે
બોલકણાં અક્ષર મુબારક

બે-કાંઠે ધસમસ પ્રશ્નોનાં
કાંઠાળા ઉત્તર મુબારક!

વત્તા, ઓછા, ગુણ્યા, ભાગ્યા
સરવાળે સરભર મુબારક!


- ડૉ. મહેશ રાવલ