Friday, November 30, 2007

આખું નગર

રાત આખી ઝળહળે આખું નગર
ને,દિવસભર ટળવળે આખું નગર!

કઈંનથી,પણ તોય જાણે કઈંક છે
કાં નહિંતર સળવળે આખું નગર ?

ભેજ જેવું હોય સહુની આંખમાં
આડકતરૂં,ઓગળે આખું નગર !

ક્યાંક જો,અમથું છમકલું થાય તો
કેટલી રીતે બળે,આખું નગર !

સ્વપ્ન,ઊગે-આથમે રસ્તા ઉપર
રોજ ખરડાતું મળે,આખું નગર

પ્રશ્ન જેવી જાત લઈને,આમ તો
અર્થ ખાતર નીકળે,આખું નગર !

ક્યાંય પડછાંયો નજર આવે નહીં
માણસોથી ખળભળે,આખું નગર !

ડૉ મહેશ રાવલ

Wednesday, November 28, 2007

આધાર બદલી નાંખજો !

સ્વપ્નનો વિસ્તાર બદલી નાંખજો!
ઓળખીતો ભાર,બદલી નાંખજો!

જિંદગીસાથે ઘરોબો કેળવી
આપખુદ વ્યવ્હાર બદલી નાંખજો!

ક્યાંસુધી વળગી રહેશો,પ્રશ્નને?
કાં કથા,કાં સાર બદલી નાંખજો!

છેવટે નક્કી જ છે-"એનો"વિજય
જીતનો વિચાર બદલી નાંખજો!

કઈપળે શું થાય,નક્કી ક્યાં હતું ?
માન્યતા,આધાર બદલી નાંખજો!

ડૉ.મહેશ રાવલ

Monday, November 26, 2007

...હોય છે !


આ તરસનાં ભાગ્ય એવાં પણ લખેલાં હોય છે
કાં સમંદર,કાં અજાણ્યાં રણ લખેલાં હોય છે

આવડે જો વાંચતાં તો,એટલું અઘરૂં નથી
હર નયનમાં,આગવાં પ્રકરણ લખેલાં હોય છે !

વેંત છેટો ઉંબરો ક્યાં શક્ય છે ઓળંગવો ?
એ વિષે નિશ્ચિતપણે,કારણ લખેલાં હોય છે

કોણજાણે કઈપળે તૂટે રમકડું રાખનું ?
આપણાં અસ્તિત્વનાં કણ-કણ લખેલાં હોય છે

જિંદગીભર કોઈનો સંગાથ પામે નહીં,છતાં
આંસુઓમાં એ બધાં સગપણ લખેલાં હોય છે


ડૉ.મહેશ રાવલ

Wednesday, November 21, 2007

અર્થ...

આ તરફ તરસ્યું હરણ છે
એ તરફ ખળખળ ઝરણ છે.

જિંદગી છે નામ જેનું
કઈનથી,બસ આવરણ છે!

આમ, બદલાતું કલેવર
આમ,બીજું અવતરણ છે!

રાતવાસો છે ફકત,અહીં
વ્યર્થ સઘળી વેતરણ છે !

આમ તો છે ખ્યાલ સહુનેં
આમ,નોખું આચરણ છે !

અર્થ પણ છે સાવ સીધો
શક્યતાનું વિસ્તરણ છે!

ડૉ.મહેશ રાવલ

Tuesday, November 06, 2007

અર્થ શું કરવો?

અધુરા વિસ્તરણનો અર્થ શું કરવો?
અમસ્તાં આવરણનો અર્થ શું કરવો?

ખરેખર હોય નક્કી નાશ છેલ્લે,તો
પછી નામક્કરણ નો અર્થ શું કરવો?

મરીને પણ,ફરીથી જન્મ લેવાનો?
અરે! એવા મરણનો અર્થ શું કરવો?

જવાનું હોય ખાલીહાથ લઈ,અંતે
તો,મબલખ વેતરણનો અર્થ શું કરવો?

-ડૉ મહેશ રાવલ

Monday, November 05, 2007

અઘરું પડે છે

આવરણ ઉતારવું અઘરું પડે છે
સત્યને સ્વીકારવું અઘરું પડે છે

એ અલગ છે કે,સફળતા સાંપડે
હારને સ્વીકારવું અઘરું પડે છે

ઉતરે તો જિન્દગી ઉતરે ગળે
મોતને ઉતારવું અઘરું પડે છે !

-ડૉ.મહેશ રાવલ

આપણે...

આપણું પરિણામ છીએ આપણે
શી ખબર,શુંકામ છીએ આપણે

કોઇ પાસે ક્યાં હતી સંજીવની?
યમ-નિયમનું કામ છીએ આપણે

છે નશો,બસ ત્યાંસુધીનો કેફ છે
રોજ ઘટતો જામ છીએ આપણે !

એકમાં ઈર્ષા,અભરખાં અન્યમાં
બેઉ આંખે,આમ છીએ આપણે !

ડૉ.મહેશ રાવલ

આ........છે


આ,દિવંગત સ્વપ્નનો અંબાર છે
તૂટતા સંબંધનો ચિત્કાર છે

દઈગયા જે હાથતળી,ઍ બધાં
પર્વ જેવા લાગતાં અણસાર છે

શું હતું બીજું નહીંતર આપણું?
છે પરસ્પર લાગણી,ચિક્કાર છે

અર્થ કેવળ એટલો અસ્તિત્વનો
કાચ માથે,પથ્થરોનો ભાર છે!

એ અલગ છે કે,વિલંબે ફળ મળે
પણ,દુવાઓની અસર પુરવાર છે

જાય છે રસ્તા બધા,એ દ્વાર લગ
એક ભીતર, એક બારોબાર છે



-ડૉ.મહેશ રાવલ

Friday, November 02, 2007

રાખી છે...


તરસને સાવ બારોબાર રાખી છે
પ્રસંગોપાત, ધારોધાર રાખી છે।

તમે રાખી નજર કાયમ કિનારાપર
અમે, સાતેય દરિયાપાર રાખી છે!

હજૂ ક્યાં કોઇએ ચર્ચા ઉખેડી છે?
છતાં, આખી કથા તૈયાર રાખી છે।

લડીલેશું સમયઆવ્યે, બધીરીતે
પ્રથમથી, જાતને ખુંખાર રાખી છે!

તમે ખુદથી અજાણ્યાથઇ ફરો છો, નેં
અમે કુદરતનેં હિસ્સેદાર રાખી છે!

ખબર છે કોઇ નહીંઆપે કશું, છેલ્લે
અપેક્ષા, આપ-લે ની બહાર રાખી છે!

દિવંગત સ્વપ્નનાં અવશેષવચ્ચે, પણ
સજીવન સ્વપ્નની ભરમાર રાખી છે!



ડૉ. મહેશ રાવલ

Thursday, November 01, 2007

આગળ જતાં


શક્યતાઓ વિસ્તરે,આગળ જતાં
માન્યતા ખોટી ઠરે,આગળ જતાં

ઍક પગલું પણ પછી સંભવ નથી
વા ફરે,વાદળ ફરે,આગળ જતાં

જે તફાવત હોય છે,તે હોય છે
ઍજ રસ્તો આંતરે,આગળ જતાં

ગાય છે ગુણગાન આજે, ઍ બધા
શક્ય છે ઇર્ષા કરે,આગળ જતાં

છેવટૅ,માણસ જવાનો જાતપર
મારશે,ને કાં મરે,આગળ જતાં !


ડૉ. મહેશ રાવલ

એ હકીકત છે


સમય વીત્યાપછી પાછો વળૅ નહીં,ઍ હ્કીકત છે
ઉઘાડી આંખનાં સપના ફળૅ નહીં,એ હકીકત છે

ગમે તે રીત અપનવી જુઓ, નાકામ રહેવાનાં
નથી બાળીશકાતું એ બળૅ નહીં,ઍ હકીકત છે

ખરેખર એક સિક્કાનીં જ બન્નેબાજુઓ છે,પણ
મરણને જિંદગીસાથે ભળૅ નહીં,ઍ હકીકત છે

કરીલ્યો ખાતરી ઉંડૅસુધી જઈ,ને પછી કહેજો
નથી જે ભાગ્યમાં તે કઈં મળેનહીં,ઍ હકીકત છે

કરો છો જીવથી વ્હાલુંગણી જેનું જતન,અક્સર
ખરેટાણે તમારું નીક્ળૅ નહીં,ઍ હકીકત છે

- ડૉ. મહેશ રાવલ

સાચું સુખ તો...

સાચું સુખ તો,સમજણમાં છે
કણમાં મણ,ને મણ કણમાં છે

આઘા-ઓરા, કે અદકેરાં
સંબંધો ,સહુ વળગણમાં છે

તડકો વેઠી, દેવો છાંયો
સધ્ધરતા તો વિતરણમાં છે

યુગનાં યુગ વિત્યા,ને વિતશે
ક્ષણ નો વૈભવ,ક્ષણક્ષણમાં છે

કયારે વીંઝાશે નક્કી નહીં
પાણૉ,ફરતી ગોફણમાં છે!

લેખા-જોખા થાશે છેલ્લે
કર્મો સહુનાં ધારણમાં છે !



-ડૉ.મહેશ રાવલ