Friday, February 29, 2008

કેન્દ્રમાં, તું હોય છે !

જીવન ગણાતી ગોઠવણના કેન્દ્રમાં, તું હોય છે
'ને શ્વાસ જેવી વેતરણના કેન્દ્રમાં, તું હોય છે !

બદલાય છે કેવળ કલેવર ઉપલું, આગળ જતાં
એ વસ્ત્રના બદલીકરણના કેન્દ્રમાં, તું હોય છે !

નિશ્ચિત કરેલું હોય છે ફળ, કર્મ જેવું-જેટલું
'ને કર્મના અમલીકરણના કેન્દ્રમાં, તું હોય છે!

મૃગજળ,તરસ,જળ,સ્વપ્ન,ઈચ્છા,પર્વ,માતમ,લાગણી
ઓળખ-પરખના આવરણના કેન્દ્રમાં, તું હોય છે !

સંભવ નથી કંઈ-ક્યાંય, મરજી ન તારી હોય તો
પ્રત્યેક ક્ષણના અવતરણના કેન્દ્રમાં, તું હોય છે !

ડો.મહેશ રાવલ

Wednesday, February 27, 2008

કૈલાસ, હોવો જોઇએ !

આપણોં,અજવાસ હોવો જોઇએ
દર્દનોં અહેસાસ હોવો જોઇએ !

સાવઅમથી તો, નથી બનતી ગઝલ
દર્દનો અહેસાસ હોવો જોઇએ !

હાથ ક્યાં લંબાય છે, કારણ વગર?
હાથ,સામે ખાસ હોવો જોઇએ !

ઓળખીતાં કેમ લાગ્યા આંસુઓ ?
સાવ અંગત ત્રાસ હોવો જોઇએ !

ક્યાં ગઝલ સ્પર્શે છે દિલને,કોઇની ?
જોઇએ, કૈલાસ હોવો જોઇએ ! !


ડો.મહેશ રાવલ

Sunday, February 24, 2008

કૈંક તો કારણ હશે !

પાંદડું પીળું થવાનું, કૈંક તો કારણ હશે
એમ, કૂંપળ ફૂટવાનું કૈંક તો કારણ હશે !

એકચક્રી છે હજૂ સામ્રાજ્ય સુરજનું, છતાં
અસ્તથઈનેં ઊગવાનું, કૈંક તો કારણ હશે !

વાદળોનું સંઘરેલાં ભેજથી સધ્ધર થવું
ને પછી, વરસી જવાનું કૈંક તો કારણ હશે !

કાચ છે, તો તૂટશે આજે નહીં તો કાલ, પણ
ફ્રેમવચ્ચે રાખવાનું, કૈંક તો કારણ હશે !

ડો.મહેશ રાવલ

Thursday, February 14, 2008

જીવતો ગ્યો !

જે મળી, હું એજ પળમાં જીવતો ગ્યો !
જળ વચાળે ,હું કમળમાં જીવતો ગ્યો !

નામ દઈ ઈચ્છા ઉછેરી, સ્વપ્નદરિયે
'ને પછી ,એના વમળમાં જીવતો ગ્યો !

સગપણો વચ્ચે, નથી આસાન હોતું
એ, પળોજણના અતળમાં જીવતો ગ્યો !

છે ખુમારી આજપણ એવી ને એવી
હું સતત એના જ બળમાં ,જીવતો ગ્યો !

થઈ ગયો છું આમ તો , હું સાવ નક્કર
તોય, કૂણા કોઇ વળમાં જીવતો ગ્યો !

શું હવે ચર્ચા ય કરવી, એ વિષયની
જે વિષયના શૂન્યફળમાં, જીવતો ગ્યો !

જિંદગી સાથે ઘરોબો કેળવી, 'ને
મૃત્યુના અદૃશ્ય છળમાં, જીવતો ગ્યો !

છે પુરાવો એટલો ,માણસપણાનોં
કે બળ્યો, પણ તોય વળમાં જીવતો ગ્યો !

રોજ બદલાતી રહી આ હસ્તરેખા
હું, બદલતાં વર્ષફળમાં જીવતો ગ્યો !


ડૉ.મહેશ રાવલ

Sunday, February 10, 2008

એથી વધારે કંઈ નથી!


જીવન અધૂરી વાત છે, એથી વધારે કંઈનથી
હરપળ નવી શરૂઆત છે, એથી વધારે કંઈનથી!

સંબંધ કેવળ આપણો, છે આપણીં સાથે જ બસ!
બીજું બધું બાકાત છે, એથી વધારે કંઈનથી!

એકેક પગલું,ફૂંકી-ફૂંકીનેં જ ભરવાનું ,અને
એકેકે પગલે ઘાત છે, એથી વધારે કંઈનથી !

નીકળે તો નીકળે એક-બે અપવાદલઈ, માણસપણું
બાકી, અકોણીં જાત છે, એથી વધારે કંઈનથી !

ઉંડાણ જેવું છે જ ક્યાં એકેય રીતે, કોઇમાં ?
બહુ છીછરી ઓકાત છે, એથી વધારે કંઈનથી !

છે માત્ર દીવો એક, નેં એ પણ અવસ્થાવાન છે
વેંઢારવાનીં રાત છે, એથી વધારે કંઈનથી !

ફૂલી-ફલી શૈતાનીયત,માણસપણાનીં ઓથ લઈ
ઉપલબ્ધ ,એ મિરાત છે, એથી વધારે કંઈનથી !


ડૉ.મહેશ રાવલ

Monday, February 04, 2008

જાણે છે !


નદી, દરિયાનો કારોબાર જાણે છે
બધી રીતે થતો વ્યવહાર જાણે છે!

પરિઘનીં બહાર નીકળો, તો જ સમજાશે
પ્રવાહો, હર ખડકનીં ધાર જાણે છે !

અમસ્તી ક્યાં ઘટે છે, ફીણનીં ઘટના ?
વલોવે જાત, એ સંસાર જાણે છે !

નથી બદલી શકાતો માર્ગ, અડધેથી
ખુદા, હર સુક્ષ્મનોં સંચાર જાણે છે !



ડૉ.મહેશ રાવલ

Saturday, February 02, 2008

જોઇએ !


એકાદ તો આધાર, નક્કર જોઈએ
'નેં હાથવેંતે સાવ, તત્પર જોઇએ !

શું જોઇએ, જો લાગણી જેવું મળે ?
પણ, લાગણી ખુદ સ્વાર્થથી પર જોઇએ

બીજું મળે કે ન મળે બે-ફામ, પણ
શ્રધ્ધા ડગે નહીં, એટલું વર જોઇએ

હું ક્યાં કહું છું, અન્યનાં ભોગે મળે ?
મારો જ હિસ્સો પણ, સમયસર જોઇએ !

વીતી ગયેલી પળ ક્યાં મળે છે પરત
પણ, આવતી હર પળ ઉજાગર જોઇએ !

નક્કી નથી કંઈ એ અલગ છે, તે છેતાં
મારે, સમયનોં સાથ સધ્ધર જોઇએ !

મારી શરત બસ એટલી છે કે, મને

અધિકારપૂર્વક, માત્ર ઈશ્વર જોઈએ !



ડૉ.મહેશ રાવલ