Sunday, November 30, 2008




તસ્વીરમાં...

જે તે સમયના ભાવ છે તસ્વીરમાં
જાણે, હજૂ પ્રસ્તાવ છે તસ્વીરમાં !

ઈતિહાસ જાજરમાન છે,આ રંગનો
ઉંડાણ છે, ઘેરાવ છે, તસ્વીરમાં !

યોજાય છે પ્રશ્નોતરી એકાંતમાં
થીજી ગયેલી રાવ છે, તસ્વીરમાં

સપનું ગણીને ભૂલવાની છે, કથા
પાષાણભેદી સ્રાવ છે તસ્વીરમાં !

છે આમ અંગત સાવ કિસ્સો, તે છતાં
બે-ચાર આળા ઘાવ છે તસ્વીરમાં !

વિશ્વાસ ભારોભાર છલકે જીતનો
હારી ગયા, એ દાવ છે તસ્વીરમાં !

સંબંધ જેવું કંઇ નથી, અસ્તિત્વમાં
બસ, વાસ્તવિકતા સાવ છે તસ્વીરમાં !


ડો.મહેશ રાવલ

Tuesday, November 25, 2008



સરભર જેવું...

તરણા ઓથે ડુંગર જેવું
હોવું, જંતર-મંતર જેવું !

પાણી ટપકે પાણીમાંથી
લાગે, ઝીણી ઝરમર જેવું

મોજા પાછળ દોડે મોજું
વચ્ચે-વચ્ચે અંતર જેવું

નજરે-નજરે નોખી ભ્રમણા
બાકી, સઘળું સરભર જેવું

ખાલી હાથે આવન-જાવન
શું મુફલિસ, શું સધ્ધર જેવું !


ડૉ.મહેશ રાવલ

Thursday, November 20, 2008



તરત ચર્ચા થશે...

વાત વિસ્તારો,તરત ચર્ચા થશે
સ્હેજ પરવારો,તરત ચર્ચા થશે

આમ તો સંતાડવાનું છે ચલણ
આંસુઓ સારો,તરત ચર્ચા થશે !

સ્વીકૃતિ દઈને જ આગળ જઈ શકો
તોડશો ધારો,તરત ચર્ચા થશે !

"ઘર બધાનાં છે અહીંયાં કાચના"
જો ન સ્વીકારો,તરત ચર્ચા થશે !

નોંધ નહીં લેવાય,જો જીવો સહજ
કાં મરો,મારો,તરત ચર્ચા થશે !

માત્ર, ઉત્તર આપવાની છે પ્રથા
પ્રશ્ન ઉચ્ચારો,તરત ચર્ચા થશે !

પાંખ કંઈ આશ્ચર્યની ઘટના નથી
આભ લલકારો,તરત ચર્ચા થશે !

ડો.મહેશ રાવલ

Friday, November 14, 2008



ખેરાત લખવી છે !

તરસથી પર થવાની વાત લખવી છે

તબક્કાવાર આખી જાત લખવી છે !

દિવસ ક્યાં હોય છે મહોતાજ વર્ણનનો ?
રહસ્યો ખોતરીને રાત લખવી છે !

નથી લખવા મરણના એકપણ કિસ્સા
ઉતર-ચડ શ્વાસની ખેરાત લખવી છે !

હલેસા,તટ,વમળ,જળ,નાવ,શઢ,નાવિક
વકલ દરિયાની સાતેસાત લખવી છે

લખાયો છે સતત ઈશ્વર, તવારિખમાં
મનુષ્યોમાત્રની ઓકાત લખવી છે !

થયાં છે લોક જેનાથી વિમુખ આજે
ફરી, એ લાગણી સાક્ષાત લખવી છે

પ્રથા તો છે બધું ભૂલી જવાની, પણ
અમારે યાદની અમીરાત લખવી છે !

ડો.મહેશ રાવલ

Monday, November 10, 2008


તારા ગજાની બ્હાર છે !


સઘળું ત્યજી, સધ્ધર થવું તારા ગજાની બ્હાર છે
હર ધારણાથી પર થવું, તારા ગજાની બ્હાર છે !

અસ્તિત્વ તારૂં છે હજૂ નિર્ભર, બટકણાં શ્વાસપર
નિશ્ચિંત થઈ, નક્કર થવું તારા ગજાની બ્હાર છે !

સંપર્ક તારો તું નથી સ્થાપી શક્યો ખુદથી, હજૂ
'ને એ વિષે તત્પર થવું, તારા ગજાની બ્હાર છે !

તારા જ ઘરમાં તું અજાણી શખ્સિયત છે, દરઅસલ
થઈ જાણતલ, પગભર થવું તારા ગજાની બ્હાર છે

સમજી શકાતી હોય છે ભાષા હૃદયની, આંખથી
પણ એટલું સાક્ષર થવું, તારા ગજાની બ્હાર છે !

છે શૂન્ય તું, 'ને શૂન્યની ઓકાત કેવળ શૂન્યતા
ખુદ શેષ થઈ સરભર થવું, તારા ગજાની બ્હાર છે !

મહોતાજ છે તું હર તબક્કે, કર્મ 'ને ફળ બેઉનો
માનવ મટી ઇશ્વર થવું, તારા ગજાની બ્હાર છે !


ડો.મહેશ રાવલ